ગુલબાઇ ટેકરા પાસે એસ્પાયર-2 ના 13મા માળેથી પાલખ તૂટી પડતા 7 મજૂરોના થયેલા મોત કેસમાં આરોપીઓ સામે નોંધાયેલ સાપરાધ મનુષ્ય વધની કલમ હટાવવા માટે યુર્નિવસિટી પોલીસે મેટ્રો કોર્ટમાં અરજી કરીને કેસમાં સંકળાયેલા આરોપીઓ સામેનો કેસ સાવ લૂલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કાયદાવિદોમાં ચર્ચાઇ રહ્યું છે.
પોલીસે સાપરાધ મનુષ્ય વધની કલમ હટાવવા કરેલી અરજી માટે મેટ્રો કોર્ટે ફરિયાદીને સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ કરી વધુ સુનાવણી 17 ઓક્ટોમ્બરે યોજાશે. બીજી તરફ 3 આરોપીએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં મેટ્રો કોર્ટમાં સાપરાધ મનુષ્ય વધની કલમ હટાવવા માટે પોલીસે કરેલી અરજી પેન્ડિંગ હોવાની દલીલો થઈ હતી.
14 સપ્ટેમ્બરે બનેલી ઘટનામાં પોલીસે બિલ્ડરો સામે તો કોઈ કાર્યવાહી કરી ન હતી પરંતુ 3 કોન્ટ્રાક્ટરો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. 15 દિવસ બાદ પોલીસે મેટ્રો કોર્ટમાં આરોપીઓ સામે લગાવેલ ભારતીય ફોજદારી દંડ સંહિતાની કલમ 304 (સાપરાધ મનુષ્ય વધ) રદ કરી તેની જગ્યાએ કલમ 304 (એ) (અકસ્માત મોત) નો ઉમેરો કર્યો છે.
કોર્ટે ફરિયાદી-પોલીસને સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો. સિનિયર ધારાશાસ્ત્રી અયાઝ શેખે જણાવ્યું હતું કે, મનુષ્ય સાપરાધ વધની કલમ 304 હેઠળ નોંધાયેલ ગુનો જામીન લાયક નથી. આ કલમ હેઠળ ગુનો પુરવાર થાય તો આરોપીને 10 વર્ષની સજાની જોગવાઇ છે. જેની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે. જયારે અકસ્માત મોતની કલમ 304 (એ) જામીન લાયક ગુનો છે અને જો ગુનો પુરવાર થાય તો 2 વર્ષની સજાની જોગવાઇ છે.