લોકસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. શશિ થરૂરે કોંગ્રેસના અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના એકપણ સિનિયર નેતા શશિ થરૂરના આગમનથી લઈને વિદાય સુધી પણ તેમની સાથે જોવા મળ્યા નહોતા.
શશિ થરૂર આજે બપોરે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. ત્યારબાદ સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ડેલીગેટ સાથે મિટિંગ કરી હતી. તમામ કાર્યક્રમ બાદ કોંગ્રેસ ભવનમાં જ પત્રકાર પરિષદ યોજી હતી. આ તમામ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અંત સુધી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્ય કે કોઈ વરિષ્ઠ હોદ્દેદાર હાજર રહ્યા નહોતા. માત્ર કાર્યકરો સાથે જ શશિ થરૂરે સમગ્ર કાર્યક્રમ યોજ્યો હતો.
મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટેના ઉમેદવાર છે. ખડગે ગાંધી પરિવાર સાથે જોડાયેલા છે. જ્યારે શશિ થરૂર પોતાના વિચારોથી ચાલનાર છે જેથી શશિ થરૂરનો આંતરિક વિવાદ છે જેના કારણે આજે શશિ થરૂરના કાર્યક્રમમાં એકપણ કોંગ્રેસના સિનિયર નેતા હાજર રહ્યા નહોતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય પર પણ સિનિયર નેતાઓએ આવવાનું ટાળ્યું હતું. પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા સહિતનાની ચેમ્બર ખાલી પડેલી હતી.
શશિ થરૂરે આ મામલે જણાવ્યું હતું કે, લોકો બદલાવ ઇચ્છે છે. હું આજે સાધારણ કાર્યકર્તાઓ સાથે બેઠો છું. હું નોમિનેશન કરવા ગયો ત્યારે પણ સાધારણ કાર્યકર્તાઓ સાથે જ ગયો હતો. યુવા અને ગ્રાઉન્ડ પર કામ કરતા કાર્યકરોને ખબર છે કે, કેવા પ્રકારનો બદલાવ જોઇએ છે.