આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં બાપુનગર વિધાનસભા બેઠક પરથી હિન્દીભાષી વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. રાજુ દીક્ષિત નામ વ્યક્તિને ટિકિટ આપવામાં આવતા બાપુનગરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે રોષ ફેલાયો છે. બાપુનગરના સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, રાજુ દીક્ષિત બુટલેગર છે જે જુગાર તેમજ દારૂનું સ્ટેન્ડ ચલાવે છે. 50 લાખ લઈને ટિકિટ આપવામાં આવી છે. થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેઓને ટિકિટ આપવામાં આવતા અમારો વિરોધ છે. બાપુનગર વિધાનસભાના આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ નવરંગપુરા પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના યુવા પ્રમુખ બહાદુરસિંહ પરમારએ જણાવ્યું હતું કે બાપુનગર વિધાનસભામાં અમે છેલ્લા બે અઢી મહિનાથી ડોર ટુ ડોર પ્રચાર અને લોકોના કામ કરીએ છીએ. પાર્ટી દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી હતી કે, જે પણ કાર્યકર્તા વિસ્તારમાં કામ કરતો હોય જે કોઈપણ જ્ઞાતિનો વ્યક્તિ હોય જનરલ, માઈનોરીટી કે શિડયુલ કાસ્ટનો હોય તમે તમારી રીતે તમારા વિસ્તારમાં કામ કરતા હશો અને તેને જોઈ અને તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિને અમે ટિકિટ આપીશું પરંતુ જે યાદી જાહેર કરવામાં આવી તેમાં બાપુનગર વિધાનસભામાં છેલ્લા 20 વર્ષથી જે બુટલેગરનો ધંધો કરે છે. જુગાર અને દારૂનું સ્ટેન્ડ ચલાવે છે એવા રાજુ દીક્ષિત નામના વ્યક્તિને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે.