વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની જમાલપપુર-ખાડિયા બેઠક પરના ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવાનું કહેવાતાં જ એક મતદાન ભડકી ઊઠ્યો હતો. તેણે કહ્યું કે, પાંચ વર્ષ સુધી ક્યાં હતા? જમાલપુર-ખાડિયાના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની પ્રચાર રેલી દરમિયાન સ્વાગત કરવા માટે તેમના ટેકેદારે એક મતદારને ફોન કર્યો હતો.
ફોનમાં મતદારે ભડકી ઊઠી જવાબ આપ્યો હતો કે, પહેલાં વિકાસ બતાવો, નહિતર જૂતાંનો હાર પહેરાવીશું? મતદારે આ ફોનની એક ઓડિયો ક્લિપ પણ ફરતી કરી છે, જેમાં તે એવું સ્પષ્ટ કહે છે કે, આ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષમાં ભૂષણભાઈ ક્યારેય આવ્યા છે? તમે વિકાસનો હિસાબ આપો, નહીં તો અહીં વિરોધ થશે અને જૂતાંનો હાર પહેરાવાશે. સોશિયલ મીડિયા પર ફરતી થયેલી ઓડિયો ક્લિપમાં ભૂષણ ભટ્ટના ટેકેદારે કહ્યું હતું કે, સવારે 9.30 વાગે તમારા વિસ્તારમાં પ્રશાંત, વસંત ચોક સુધી ભૂષણ ભટ્ટનો રાઉન્ડ છે, જેના જવાબમાં અશોક વાઘેલા નામની વ્યક્તિએ કહ્યું હતું કે, તમે ભૂષણ ભટ્ટને કહેજો કે, પાંચ વર્ષમાં તમે ક્યારેય આ વિસ્તારમાં મતદારોને પૂછવા માટે આવ્યા છો? આજે પાંચ વર્ષે અમે તમને યાદ આવ્યા? કઈ કઈ સુવિધા તમે આપી? તમે પહેલા સત્તામાં હતા ત્યારે પણ કોઈ કામ કર્યાં છે ખરાં? વિરોધ થશે જોરદાર, કારણકે પાંચ વર્ષે તમને મતદારો યાદ આવે છે. ભૂષણ ભટ્ટ 2012થી 2017 સુધી આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે, જેમાંથી ગત ચૂંટણીમાં તેમણે આ બેઠક ગુમાવી હતી.
સોશિયલ મીડિયા પર ફરતી ઓડિયો ક્લિપમાં મતદારે એવું પણ કહ્યું હતું કે, ‘અહીં પ્રાચીન મંદિરો છે. ચાર-પાંચ મંદિરો માટે તમે શું સુવિધા કરી, મંદિર પરિવારના પૂજારીઓ માટે શું આપ્યું? વિસ્તારમાં કયા વિકાસ કાર્યો કર્યાં, આ બધો હિસાબ આપો પછી આવજો.’
બીજી તરફ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમ દ્વારા આ ઓડિયો કલીપ માટે ખાડિયા ના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવેલ કે જે વ્યક્તિ નું ઓડિયો કલીપ છે એ વ્યક્તિ જ મારી સાથે પ્રચાર કરી રહ્યા છે અને મારું સ્વાગત પણ ધામધૂમ થી કર્યું હતું અને એમને કોઈ વિરોધ છે જ નહીં જેનો ફોટો પણ ઉમેદવાર ભૂષણ ભટ્ટ દ્વારા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમ ને આપવામાં આવ્યો હતો.