ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઉભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે.
એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજે ઓછામાં ઓછા એક લાખ અને શનિ-રવિ તથા રજાઓમાં 2થી 3 લાખ મુલાકાતીઓ પ્રવેશે તેવો અંદાજ છે. આમ, આ મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવવાની શક્યતા છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એકેએક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. આ નગરમાં આઝાદીના અમૃત મહોત્સવના વીરપુરુષોના કટઆઉટ પણ મુકાયા છે. બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવા નગરની રચના કરવામાં આવી છે. આ ઉદઘાટન સમારોહમાં 1 લાખથી વધુ હરિભક્તો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં ભાવિક અને ભક્તો માટેની વ્યવસ્થા સાચવવા BAPS દ્વારા દિવસ રાત મહેનત કરવામાં આવી છે. જેમાં ભોજનથી લઈ ભજન સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ થશે.
પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેના સાત પ્રવેશ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે. જયારે બાકીના છ પ્રવેશ દ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. આ પ્રવેશ દ્વારમાંથી નગરમાં પ્રવેશતા જ મુલાકાતીઓને ફ્રેશ થવા માટે વોશરૂમ રહેશે. ત્યારબાદ પ્રેમવતી તેમ જ પુસ્તક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.