31 ડિસેમ્બર માટે શહેર પોલીસે તૈયાર કરેલા એક્શન પ્લાન મુજબ તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર 200 નાકાબંધી પોઈન્ટ બનાવ્યા છે અને 24 કલાક નાકાબંધી સાથે બ્રીથ એનલાઈઝર અપાયા છે. બહારથી આવતાં વાહનોનું સઘન ચેકિંગ થશે. સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, એસપી રિંગરોડ, રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર લેક, પ્રહલાદનગર ગાર્ડન, યુનિવર્સિટી જેવા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દીધી છે.
31 ડિસેમ્બરે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે 1200 બોડીવોર્ન કેમેરા, 14 ટોઈંગવાન, 8 ઈન્ટરસેપ્ટર વાનની મદદ લેવાશે. દારૂ પીધેલાને પકડવા શહેર પોલીસ 700 જેટલા બ્રીથ એનલાઈઝર મશીનની મદદ લેશે. કાંકરિયા કાર્નિવલને ધ્યાને રાખી ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ તેમજ સ્થાનિક પોલીસના જવાનોને ઉતારવામાં આવ્યા છે.
રસ્તા પર જો કોઈ પણ વાહન પાર્ક કરેલું દેખાશે તો તેને ટો કરી લેવાશે, 14 ટોઈંગવાન તેમને ફાળવેલા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે. આવતી-જતી યુવતી-મહિલાઓને હેરાન કરનાર રોમિયો માટે પોલીસની બાઈકર્સ ટીમ તૈનાત કરાશે. મોલ, મલ્ટિપ્લેક્સ, ગાર્ડન સહિતના જાહેર રસ્તા પર મહિલા પોલીસની શી-ટીમો તૈનાત કરાઇ છે, ઓવરસ્પીડમાં વાહન ચલાવનારાને પકડાશે.