સીજી રોડ પર ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે સોનાનાં ઘરેણાં ઘડાવવા જઈ રહેતી મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવીને બાઈક પર આવેલા બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પર્સમાં સોનાની 50 ગ્રામ, 5 ગ્રામ અને 10 ગ્રામની લગડી (કુલ કિંમત 3.50 લાખ) તથા 50 હજાર રોકડા હતા. આ મામલે મહિલાના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કચ્છમાં રહેતા હર્ષદ મહેતા તેમની પત્ની ડિમ્પલ અને દીકરા દેવ સાથે સુરતથી શિવરંજની ચાર રસ્તા આવ્યાં હતાં. બાદમાં ખરીદી કરીને પત્નીનાં સોનાનાં ઘરેણાં ઘડાવવા માટે જઈ રહ્યાં હતાં. સોનાની લગડીઓ તથા રોકડ 50 હજાર પત્નીના પર્સમાં મૂક્યા હતા. તેઓ ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા તે સમયે તેમની પાછળથી ટુવ્હિલર પર બે અજાણ્યા શખ્સો ડિમ્પલબેન પાસે આવ્યા હતા અને તેમના તેમના ખભા પર લટકાવેલું પર્સ ઝૂંટવી ગયા હતા.
પર્સમાં સોનાની 50 ગ્રામ, 5 ગ્રામ અને 10 ગ્રામની લગડી તથા 50 હજાર રોકડા હતા. આ ઘટનાથી હર્ષદભાઈની પત્ની ડિમ્પલે બૂમો પાડી હતી, જેથી લોકો ભેગા થઈ ગયા હતા. આ જોઈને બાઈક પર આવેલા બે શખ્સો પર્સ લઈને ફરાર થઈ ગયા હતા. હર્ષદભાઈ તેમની પાછળ ભાગ્યા હતા, પરંતુ બંને બાઇક લઈને જતા રહ્યા હતા. આ મામલે હર્ષદભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 4 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.