ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના વધતા કેસોના પગલે આગામી દિવસોમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધે તો તેની સામે લડવાની તૈયારીના ભાગરૂપે આજે રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી સહિતની હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આજે SVP હોસ્પિટલ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોનું રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત શહેરના તમામ ધારાસભ્યો દ્વારા કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તમામ તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. SVP હોસ્પિટલ કેમ્પસ અને અન્ય હોસ્પિટલોમાં કુલ 500થી વધુ કોરોનાના બેડ અને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી જેને લઇ અને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ચીન સહિતના દેશોમાં કોરોનાના વધતા કેસોની પરિસ્થિતિ જો ભારતમાં અને રાજ્યમાં કોરોના ના કહેશો વધે તો તેની સામે લડવા માટેની તૈયારીના ભાગરૂપે આજે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં શહેરના તમામ ધારાસભ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે કોરોનાના દર્દીઓ માટેની વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. એસવીપી હોસ્પિટલ કેમ્પસમાં 400થી વધુ કોરોનાના બેડ તૈયાર કરવામાં આવે છે. જેમાં 90 આઈ.સી.યુ બેડ, 144 આઈસોલેશન બેડ અને 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક તૈયાર છે. આ ઉપરાંત કોરોનાના દર્દી માટે હોસ્પિટલમાં અલગ લિફ્ટની વ્યવસ્થા છે.
એસવીપી હોસ્પિટલ કેમ્પસ ઉપરાંત શહેરની શારદાબેન હોસ્પિટલ એલજી હોસ્પિટલ અને બહેરામપુરા ચેપી રોગ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું નિરીક્ષણ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ભટ્ટ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ અને દંડક અરુણસિંહ રાજપૂત સહિત જે તે વિસ્તારના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા 27 દિવસથી કોરોનાનો એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ થયો નથી.