પાવાગઢમાં પોષી પૂનમે ભક્તોનું ઘોડાપુર ! ભારે પવનના કારણે રોપવે સેવા બંધ ! ભક્તોએ પગથિયાં ચડી મંદિરમાં કર્યા દર્શન !

0
57

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાવન શક્તિપીઠ પૈકીના એક મહાકાળી ધામ પાવાગઢ ખાતે આજે પોષી પૂનમના દિવસે માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી માઇ ભક્તોની ભીડ જામી હતી. બે દિવસથી ખરાબ હવામાન અને પવનને કારણે ઉડન ખટોલાની સેવા બંધ છે, અને આજે પણ રોપવે બંધ હોવાથી ભક્તોએ માચીથી મંદિર સુધી ફરજિયાત પગપાળા ચાલીને માતાજીના દર્શન કરવા જવું પડ્યું હતું.

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં આવેલા ઐતિહાસિક મોન્યુમેન્ટ્સને કારણે પાવાગઢને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરવામાં આવ્યા પછી પાવાગઢને વૈશ્વિક ઓળખ મળી છે. અહીં ડુંગર ઉપર આવેલા બાવન શક્તિપીઠ પૈકીના એક મહાકાળી ધામ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિ સાથે મહાકાળી માતાજીના દર્શને આવતા હોવાથી અહીં 1986માં ઉષા બ્રેકો નામની કંપની દ્વારા ઉડન ખટોલાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. 10 બોગી અને પ્રતિ બોગીમાં 6 પેસેન્જરની સુવિધા સાથે શરૂ કરવામાં આવેલી સુવિધા આજે પાવાગઢની યાત્રાનું અવિભાજ્ય અંગ બની ગઈ છે. આજે આ કંપનીએ સેવામાં સુધારો કરી 32 બોગીઓ સુધીનો વધારો કરતા એક ફેરામાં 200 જેટલા યાત્રાળુઓ અને કલાકમાં 1200 જેટલા યાત્રાળુઓ માચીથી ડુંગર સુધી પહોંચે છે.

ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડના સહિયારા પ્રયાસોથી છેલ્લા થોડાક વર્ષોમાં પાવાગઢ તળેટીથી ડુંગર ઉપર આવેલી મંદિર સુધી અને મંદિરના નવનિર્માણમાં જે વિકાસ કરવામાં આવ્યો છે. તેના કારણે અહીં આવતા યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અત્રે ઉભી કરવામાં આવેલી સુવિધાઓને કારણે યાત્રા પણ ઝડપી બની છે. ત્યારે આજે પોષી પૂનમે મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શને પહોંચ્યા હતા.

પાવાગઢ ડુંગર ઉપર ચાલતી રોપવે સુવિધા ખરાબ હવામાન અને ભારે પવનને કારણે બે દિવસથી બંધ છે. ત્યારે આજે ભારે ભીડ દર્શનાર્થીઓની આવતા પવનની ઝડપ આધારે થોડો સમય અનિશ્ચિતતાને આધારે રોપવે સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે, કલાકો રાહ જોવા કરતા યાત્રાળુઓએ પગથિયાં ચડીને પગપાળા યાત્રા કરી હતી. પૂનમ ભરવા માટે આવેલા અનેક વયોવૃદ્ધ યત્રાળુઓ કલાકો સુધી રોપવે શરૂ થાય તેની રાહ જોઈ બેસી રહ્યાં હતા. જોકે બુકીંગ કેન્સલ કરાવી પગપાળા જતા યાત્રાળુઓને કંપની દ્વારા 100% રિફંડ આપવામાં આવ્યું હોવાનું કંપનીના મેનેજર અશ્વિનભાઈ એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. પવનની ગતિને આધારે રોપવે સેવા નિયમિત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here