કારમાં બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ લઇને વડોદરા આવી રહેલા મધ્ય પ્રદેશના બે યુવાનોને વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવાનો વડોદરામાં કોઇ મોટા ગુનાને અંજામ આપવા માટે આવી રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ મોડી રાત્રે જરોદ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલ.સી.બી.ના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહને માહિતી મળી હતી કે, જરોદ તરફથી એક સફેદ કારમાં બે યુવાનો પિસ્તોલ લઇને વડોદરા તરફ આવી રહ્યા હતા. અનાર્મ પોલીસ કોન્સ્ટેબલે આ માહિતી પી.આઇ. કૃણાલ પટેલને આપી હતી.
દરમિયાન પી.આઇ. કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે વડોદરા-હાલોલ રોડ ઉપર આવેલા આમલીયારા ગામ પાસે ગોઠવી દીધી હતી. દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહને મળેલી માહિતી કાર આવતાજ પોલીસે તેને રોકી હતી અને કારમાંથી બે વ્યક્તિઓને નીચે ઉતારી કારમાં તપાસ કરી હતી.

મળેલી માહિતી પ્રમાણે કારની પ્રાથમિક તપાસ કરતા કંઇ મળી આવ્યું ન હતું. પરંતુ, કારમાં ઝીણવટભરી તપાસ કરતા બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. દરમિયાન પોલીસે કારમાં સવારે મધ્યપ્રદેશના હીંડી પોસ્ટ બોરખેડા, તા. નાગદા અને જિલ્લો ઉજ્જૈનના 28 વર્ષિય અંતરસિંહ ભગવાનસિંહ રાઠોર અને 23 વર્ષિય આશીફખાન શેરૂખાન પઠાણની ધરપકડ કરી હતી.
પોલીસે રૂપિયા 50,000 કિંમતની દેશી બનાવટની બે પિસ્તોલ, રૂપિયા 400 ની કિંમતના ચાર જીવતા કારતૂસ, કાર, બે મોબાઇલ ફોન તેમજ 3 હજાર રોકડા મળી કુલ્લે રૂપિયા 3,63,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ બનાવ અંગે જરોદ પોલીસ મથકમાં બંને સામે હથિયાર બંધીની ફરિયાદ નોંધાવી હતી. આ બંને આરોપીઓ વડોદરામાં અથવા અન્ય શહેરોમાં કોઇ ગંભીર ગુનો કરવા માટે નીકળ્યા હોવાનું મનાય છે.