AHMEDABAD : AMC અધિકારી તડવી ઉપર ફક્ત ને ફક્ત નામની જ કાર્યવાહી કે શું !? શું ઇન્ક્રીમેન્ટ રોકવાથી તડવી ગેરકાયદેસર બાંધકામના તોડ કરશે બંધ !?

0
252

અમદાવાદના હાર્દ સમા ગણાતા એવા કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોની અનેક ફરિયાદો છતાં પણ મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. શહેરના કોટ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ અને સાત માળ સુધી ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હોવા છતાં પણ તેને તોડવાની અને સીલ મારવાની કાર્યવાહીમાં નિષ્કાળજી અને બેદરકારી દાખવવા બદલ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવીના બે ઇન્ક્રીમેન્ટ રોકવાની નોટિસ આપવામાં આવી છે. રમેશ તડવી અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે પરંતુ તેમને ખુદ ભાજપના મોટા નેતા અને સત્તાધીશોના ચાર હાથ છે જેના કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. અત્યારે પણ તેમના માત્ર બે ઇન્ક્રીમેન્ટ રોકવાની જ નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મધ્ય ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રમેશ તડવીને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગ દ્વારા બે ઇન્ક્રીમેન્ટ રોકવાની નોટિસ આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મધ્ય ઝોનમાં આવેલા સના એપાર્ટમેન્ટ નામની એક બાંધકામ સ્કીમ જે ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ અને સાત માળ સુધી બની ગઈ હતી. આ ગેરકાયદેસર બાંધકામ ઉભા થઈ ગયા બાદ પણ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવી દ્વારા તેને પ્રાયોરિટીમાં તોડવાની અને સીલ મારવાની વગેરે કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેની ખાતાકીય અને વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. જે બાદ તેમને બે ઇન્ક્રીમેન્ટ રોકવા સુધીની કાર્યવાહી માટેની નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રમેશ તડવી ભૂતકાળથી જ વિવાદમાં આવેલા છે. અગાઉ રમેશ તડવી ઉત્તર ઝોનમાં ફરજ બજાવતા હતા. ત્યારે ઉત્તર ઝોનમાં તાજેતર બાંધકામોથી લઈ અને અનેક ફરિયાદો આવી હતી જેને લઇ અને વિવાદ ઉભો થતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પોસ્ટથી તેમને ડી ગ્રેડ એટલે કે નીચલી પોસ્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓએ ભાજપના નેતાઓના સંપર્ક સાધી તેમના આશીર્વાદથી શહેરના કોટ વિસ્તાર એવા મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે નિમણૂક મેળવી લીધી હતી. છેલ્લા પાંચેક વરસથી મધ્ય ઝોનનાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે રમેશ તડવી ફરજ બજાવે છે.

મધ્ય ઝોન એટલે કે જમાલપુર, ખાડિયા, કાલુપુર, શાહીબાગ, દરિયાપુર, શાહપુર અને અસારવા વિસ્તાર આવે છે. ખાસ કરીને જમાલપુર, ખાડિયા, શાહપુર અને કાલુપુર વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ઊભા થઈ ગયા હોવાની અનેક ફરિયાદો આવતી હતી. છતાં પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા આમ અમને કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જ્યારે પણ કોઈ બાંધકામ શરૂ થાય તો ત્યાંના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના ધ્યાન ઉપર તાત્કાલિક ધોરણે બાબત આવી જતી હોય છે પરંતુ સાત સાત માળ સુધી ગેરકાયદેસર બાંધકામ થઈ જાય છતાં પણ અધિકારી દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે જેથી સ્પષ્ટ જણાતું હતું કે ક્યાંક ને ક્યાંક આ મામલે તેને અધિકારીઓ દ્વારા ઢાંકપીછોળો કરવામાં આવતો હતો.

ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવી ભૂતકાળમાં અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે છતાં પણ આવા વિવાદ આશપદ અધિકારીને ભાજપના જ નેતાઓ સાચવી રહ્યા હોવાનું ખુદ ભાજપના કેટલાક કોર્પોરેટરો અને નેતાઓમાં ચર્ચા છે. જેના કારણે આ ભદ્ર પાછળના બજારના દબાણો દૂર થતાં નથી. રમેશ તડવીને ભાજપના જ નેતાઓ ના ચાર હાથ હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. એક તરફ શહેરમાં ધારાસભ્યો અને કોર્પોરેટરો તેમજ ખુદ કમિશનર જાહેર રોડ ઉપર દબાણ દૂર કરવાની વાત કરે છે પરંતુ ભદ્ર બજારમાં દબાણો દૂર કરાવી શકતા નથી અને આવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને સાચવે છે. ગેરકાયદેસર બાંધકામ મામલે રમેશ તડવીને હાલમાં માત્ર બે ઇન્ક્રીમેન્ટ રોકવા જેટલી નાનકડી સજા આપવામાં આવી છે. પરંતુ આવા અધિકારીને સસ્પેન્ડ કરવાથી લઈ અને તેને ડી ગ્રેડ કરવા સુધીની જો કાર્યવાહી કરે તો એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકી શકાય તેમ છે તેવી લોકોમાં ચર્ચા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here