મહાઠગ કિરણ પટેલને આવતીકાલે રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લાવી દેવામાં આવશે. કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નો નકલી અધિકારી બનીને જમ્મુ-કાશ્મીર સરહદ પર ફરતો હતો, ત્યારે પોલીસના ધ્યાન પર આવ્યો હતો. તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જમ્મુ- કાશ્મીર પોલીસની કસ્ટડીમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને અમદાવાદ આવવા રવાના થઈ છે. ગુરુવારે રાતે કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી જશે. તેને સામાન્ય કેદીની જેમ લાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, અમારી ટીમ કિરણ પટેલને લઈને અમદાવાદ આવવા નીકળી ગઈ છે. આવતીકાલે રાત સુધી કિરણ પટેલને અમદાવાદ લાવી દેવામાં આવશે.
પોતાની લોભામણી વાતોથી લોકોને ફસાવીને લાખો રૂપિયાની ઉચાપતમાં સામેલ હોવાની અનેક વિગતો કિરણ પટેલ સામેની બહાર આવી રહી છે. કિરણ પટેલ ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે, જેમાં તે અને તેની પત્નીએ જગદીશ ચાવડાનું મકાન પચાવી પાડ્યું હતું, આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કિરણ પટેલની પત્ની માલિની અને આર્કિટેકની પૂછપરછ કરી છે. હવે આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ કિરણ પટેલ અમદાવાદ આવ્યા બાદ તેનાં અનેક રાઝ સામે આવશે. કિરણ પટેલ એટલો ભેજાબાજ જ હતો કે મંત્રીના ભાઈના ઘરમાં તેણે સંગીતસંધ્યા અને પૂજા રાખી હતી. આ માટે તે ખર્ચો ક્યાંથી લાવ્યો હતો, તેના પર તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ અંગે અગાઉ તેની પત્ની માલિનીની પૂછપરછ થઈ ચૂકી છે, પરંતુ સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કિરણ પટેલ આવા અનેક લોકોને ઠગી ચૂક્યો હોવાની પોલીસને પૂરી શંકા છે. હવે પોલીસને જેમ જેમ પુરાવા મળશે, તેમ કિરણ પટેલ સામે વધુ ગુના દાખલ કરવાની પણ તૈયારી કરી લીધી છે. કિરણ પટેલ અને તેની પત્ની જે બેંક એકાઉન્ટ વાપરતાં હતાં, તેની પણ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.