ખોડલધામ એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે તેવી પ્રથમ વખત જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક 7વાર તારીખ પાડી પહોંચી અને દિવસની સંખ્યા 100 થઈ. પરંતુ હજુ સુધી પોતાનો નિર્ણય જાહેર કરી શક્યા નથી અને કઈ પાર્ટીમાં જોડાશે તેના કોઈ ઠેકાણા નથી. નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ એ પહેલા જ રાજનીતિ રમતા હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે.
આજથી સાડાત્રણ મહિના પહેલાં સૌપ્રથમ વખત 27 ફેબ્રુઆરીના રોજ નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, હું સમાજને રાજકારણમાં જોડાવું કે નહીં તે પૂછીને નિર્ણય કરીશ. રાજકારણમાં જોડાવવા અંગે 20થી 30 માર્ચ વચ્ચે નિર્ણય જાહેર કરીશ. ત્યારબાદ સમાજ સાથે મિટિંગ કરીને તેમણે ફરી મીડિયાને કહ્યું હતું કે, 27 એપ્રિલે ખોડલધામમાં અમારી બેઠક છે, એ બાદ હું મારો નિર્ણય જાહેર કરીશ. આ બેઠક પૂર્ણ થયા બાદ ફરી મીડિયાને નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું 15 મે સુધીમાં મારો નિર્ણય જાહેર કરીશ. મારામાં નિર્ણય શક્તિનો અભાવ નથી. બાદમાં મીડિયા સાથે ગેટ ટુ ગેધરમાં પણ 31 મેના રોજ જાહેરાત કરીશ એવું જણાવ્યું હતું. હવે લાંબુ ખેંચવું નથી કહીને ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરીશ તેમ કહી વધુ એક તારીખ પાડી છે. છતાં આજ સુધી તેમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે સમાજ કહેશે તો રાજકારણમાં જઈશ તેમ કહીને નરેશ પટેલ જ વાત વહેતી મુકી હતી. પરંતુ, લાંબો સમય વિતવા છતાં હજુ તેઓ નિર્ણય લેવાની સ્થિતિએ પહોંચ્યા નથી. આ દરમિયાન એવી ચર્ચા પણ થવા લાગી છે કે, ઉપરા ઉપરી સમય આપતા નરેશભાઈ છેલ્લે રાજકારણમાં જોડાવાનું જ માંડી વાળે. ઉલ્લેખનીય છે કે હાલ સર્વપક્ષો તેમને ખોડલધામના ચેરમેન તરીકે સન્માન આપતા રહ્યા છે.
નરેશ પટેલે રાજકારણમાં જોડાવું કે નહીં એ અંગેનો નિર્ણય જાહેર કરવા પહેલા માર્ચ મહિના અંત સુધીનું કહ્યું હતું. બાદમાં સમાજનો સરવે ચાલી રહ્યો છે એવું જણાવી એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં નિર્ણય જાહેર કરવા જણાવ્યું હતું. બાદમાં સરવે પૂરો થયો નથી એવું જણાવી મે મહિનાના અંતમાં પોતાનો નિર્ણય જાહેર કરશે એવું કહ્યું હતું. બાદમાં પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય એવો નિર્ણય જાહેર કરતાં નરેશ પટેલનું પણ કોકડું વધારે ગૂંચવાયું છે. હવે નરેશ પટેલ સીધો પોતાનો નિર્ણય જાહેર કરશે એવું જણાવી રહ્યા છે.