જસ્ટ ડ્રાઈવ કંપનીમાંથી સેલ્ફ ડ્રાઈવ માટે રૂ.37 લાખની ગાડી ભાડે લીધા બાદ પોલીસકર્મીએ તે ગાડી પોતાની હોવાનું કહીને એક દલાલને રૂ.25 લાખમાં વેચી દીધી હતી. જો કે લોકેશનના આધારે કંપનીના કર્મચારીએ ગાડી સુધી પહોંચી એન્જિન લોક કરી દેતાં પોલીસકર્મીના કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. જો કે ત્યાં સુધીમાં પોલીસકર્મીએ દલાલ પાસેથી રૂ.12.20 લાખ મેળવી લીધા હોવાથી દલાલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
વાસણાના દિનેશ ઠક્કર(35) ગાડી લે-વેચનો ધંધો કરે છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આકાશ પટેલે 10 એપ્રિલે 37 લાખની કાર 25 લાખમાં દિનેશભાઈને વેચી 12.20 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા. આ અંગે કંપનીએ જાણ કરી ત્યારે દિનેશભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દિનેશભાઈ સાથે છેતરપિંડી કરી તે સમયગાળામાં આકાશે રૂ.40 લાખની એક કાર પણ જસ્ટ ડ્રાઈવમાંથી અમુક દિવસ માટે ભાડેથી લીધા બાદ તે કાર પણ બારોબાર વેચી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જો કે તે કાર કંપનીને પાછી મળી જતાં હજુ સુધી પોલીસ ફરિયાદ કરાઇ નથી.
આકાશે ગાડી ભાડેથી લઈને વેચી દીધી હોવાનો ભાંડો ફૂટી ગયો ત્યારથી આકાશે નોકરી જવાનું બંધ કરી દેતાં સાબરમતી પીઆઈએ આ અંગે ઉપરી અધિકારીને રિપોર્ટ કર્યો હતો. જો કે આકાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા હવે ઉપરી અધિકારીઓએ તેને સસ્પેન્ડ કરવાની તજવીજ આદરી છે.