ગાંધીનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ ! જમવાનું પાર્સલ કરી આપવા બાબતે કર્યો હંગામો !

0
84

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાનાં ધજાગરા ઉડાવી અસામાજિક તત્વો બેફામ બનીને આતંક મચાવી ભયનો માહોલ ફેલાવી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ ઘ-5 ચોપાટી ખાતે શાહી નોનવેજ નામની લારી ઉપર જમવા બાબતે થયેલી સામાન્ય તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું. જેનાં પગલે બાઈક-એક્ટિવા ઉપર આવેલા 7 ઈસમોએ ફિલ્મી ઢબે લારી વાળાને આંતરીને ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સેકટર-21 પોલીસ ચોપડે નોંધાઈ છે.

ગાંધીનગરમાં બિલાડીના ટોપની માફક ખુલી ગયેલી નોનવેજની લારીઓનો રાફડો ફાટી ચૂક્યો છે. ત્યારે ગેરકાયદેસર લારીઓ સામે તંત્ર દ્વારા કૂણું વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે. શહેરના હાર્દસમા વિસ્તાર ઘ-5ની જૂની ચોપાટી બજારમાં સેકટર-24 શ્રીનગર સોસાયટીમાં રહેતો મૂકરમ રીઝવાન કાશીમ શેખ શાહી નોનવેજની લારી ચલાવે છે. આજથી દસ દિવસ અગાઉ તેની લારી ઉપર બે ગ્રાહકો સાથે જમવાનાં પાર્સલ બાબતે તકરાર થઇ હતી.

આ અદાવત રાખી ગઈકાલે રાત્રે દસ દિવસ અગાઉ આવેલા ઈસમો બીજા પાંચ શખ્સોને લઈને બાઈક અને એક્ટિવા ઉપર આવી પહોંચ્યો હતો. તે પૈકીના ત્રણ ઈસમોએ કહેલુ કે, લારી ચાલુ છે. સલમાન ભાઈ કયા છે. લાકડીઓ લઈને આવ્યા હતા. અને ઈસમોમાંથી એક ઈસમે સંજય દત્તની ફિલ્મ વાસ્તવની જેમ લારીમાંથી ઝારો ઉઠાવીને મૂકરમ શેખ ઉપર હુમલો કર્યો હતો. જ્યારે બીજા ઈસમોએ તેને ઘેરી લીધો હતો.જેનાં કારણે ગભરાઈને મૂકરમ શેખે જીવ બચાવવા માટે દોટ મૂકી હતી. જેનાં પગલે સાત ઈસમોએ સેકટર-16 ઓપન એર થિયેટર સુધી તેનો ફિલ્મી ઢબે પીછો કરીને આંતરી લઈ જમીન ઉપર પાડી દીધો હતો. બાદમાં લાકડીઓ અને ગડદાપાટુનો ઢોર માર મારી ચોપાટી બજારમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. આ હુમલામાં મૂકરમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરનાં PDPU રોડ ઉપર પણ નોનવેજની હાટડીઓ ખુલી જવાના કારણે આસપાસના વસાહતીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. PDPU રોડ ઉપર રાત પડતાં જ આડેધડ વાહનો પાર્ક થવાના કારણે નાની નાની તકરારો થતી રહે છે. તો અહીં જમવા આવતાં અસામાજિક તત્વોનાં બેફામ વાણી વિલાસનાં લીધે આ વિસ્તારના રહીશોને અત્રેના રોડ ઉપરથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે ગેરકાયદેસર ચાલતી નોનવેજ હાટડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ વસાહતીઓમાં પ્રબળ બની છે.

આ અંગે વસાહતીઓએ જણાવ્યું હતું કે, નોનવેજ ખેતરમાં શરૂ થયેલી હાટડીઓમાં ફાયર સેફ્ટી સહિતના સાધનો પણ નથી હોતા. ભવિષ્યમાં આગની ઘટના ઘટે તો મોટી દુર્ઘટના થવાની પણ સંભાવના છે. તો આ હાટડીઓ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઈ હોવાથી તાકીદે તંત્રએ પગલાં ભરવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here