બોલો આ છે અમદાવાદના ફાયરના અધિકારીઓ ! DEO કચેરી ને પણ પાડી રહ્યા છે જુઠી ! DEO કચેરી કહે છે 20 શાળા પાસે ફાયર NOC નથી અને ફાયર વિભાગ કહે છે બધી શાળાઓ એ લઈ લીધી છે NOC !
ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફ્ટીને લઈ કડક ટકોર કરી હતી કે, જે એકમો પાસે ફાયર સેફ્ટી ના હોય તેમના વીજળી અને પાણીના કનેક્શનો કાપી નાંખવા જોઈએ. જેથી તેઓ સજાગ થઈને તાત્કાલિક કાર્યવાહી કરશે. ત્યારે અમદાવાદમાં સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને અધિકારીઓના મતોમાં તફાવત જોવા મળી રહ્યો છે. ફાયર ઓફિસરનું કહેવું છે કે, અમદાવાદમાં તમામ સ્કૂલો પાસે ફાયર એનઓસી છે. જ્યારે શહેરના શિક્ષણ અધિકારી એવું કહે છે કે, શહેરની 20થી વધુ સ્કૂલોએ હજુ ફાયર NOCના સર્ટિફિકેટ જમા કરાવ્યા નથી. તેમજ ગ્રામ્ય DEOનું કહેવું છે કે, કેટલીક સ્કૂલોની ફાયર NOC સેવા કામગીરી ચાલુ છે.
અમદાવાદમાં આવેલ અનેક સ્કૂલોને ફાયર NOC બાબતે અનેક વખત ટકોર કરવામાં આવી હતી છતાં કેટલીક સ્કૂલો ફાયર NOC મેળવતી નહોતી. સ્કૂલોના સંચાલક મંડળે પણ ફાયર NOC બાબતે મુદત વધારી આપવા સરકારને રજુઆત કરી હતી. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને 30 જૂન સુધી મુદત આપવામાં આવી છે. ત્યારે શહેરમાં હજુ 20થી વધુ સ્કૂલોએ ફાયર NOC મેળવી નથી અને મેળવી હોય તો DEO કચેરીએ જાણ કરી નથી. જ્યારે ગ્રામ્યમાં મોટા ભાગની સ્કૂલોએ ફાયર NOC મેળવી લીધી છે.
આ અંગે ફાયર વિભાગ તો એવું જ કહી રહ્યો છે કે અમારા રેકોર્ડની તમામ સ્કૂલોએ ફાયર NOC મેળવી લીધી છે એટલે કાર્યવાહી કરવાની થતી નથી. અગાઉ પણ ફાયર વિભાગે DEO કચેરી સાથે ફાયર NOC બાબતે કોઈ ચર્ચા કરી નહોતી. જેના કારણે સ્કૂલો સામે કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. જ્યારે હજુ પણ DEO કચેરી પાસે 20થી વધુ સ્કૂલોનું લિસ્ટ છે તો ફાયર વિભાગ કેમ એવું કહી રહ્યો છે તે તમામ સ્કૂલો પાસે ફાયર NOC છે. AMC ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું હતું કે અમારા રેકોર્ડમાં જેટલી સ્કૂલો છે તે તમામ સ્કૂલોએ ફાયર NOC મેળવી લીધી છે જેથી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે અમારા રેકોર્ડ મુજબ હજુ 20થી વધુ સ્કૂલોએ ફાયર NOC લઈને તેની કોપી સબમિટ કરાવી નથી. એટલે 20થી વધુ સ્કૂલોની હજુ ફાયર NOC બાકી છે. જે અંગે ફાયર વિભાગે કાર્યવાહી કરવાની થશે. અમે સ્કૂલોને વખતોવખત ફાયર NOC લેવા જાણ કરી જ છે. અમદાવાદ ગ્રામ્ય શિક્ષણાધિકારી આર.આર.વ્યાસે જણાવ્યું હતું કર અમારી હદમાં આવતી તમામ સ્કૂલોએ ફાયર NOC મેળવી લીધી છે જેમની બાકી હતી તેમને પણ ફાયર NOC લેવા અરજી કરી દીધી છે.