ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં દૂધસાગર ડેરીના ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવી શકે તેવી સંભાવના છે. દૂધસાગર ડેરીના પૂર્વ ડાયરેક્ટર વિપુલ ચૌધરીએ દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલાં જ ડેરીની પેટા ચૂંટણી યોજવા માટે સ્પષ્ટ ચીમકી આપી છે. જો વિધાનસભા ચૂંટણી અગાઉ ડેરીની પેટાચૂંટણી નહીં યોજાય તો આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત વિપુલ ચૌધરીએ આપ્યા છે.
દૂધસાગર ડેરીની 16 સીટ પૈકી 15 સીટ પર વર્ષ 2021માં ચૂંટણી યોજાઈ હતી જ્યારે ઈત્તર મંડળીની બેઠકમાં આજદીન સુધી ચૂંટણી યોજાઈ નથી. કુલ 15 સીટોના પરિણામો જાહેર થયા બાદ ખેરાલુ બેઠક પરના ડાયરેક્ટર માનસિંહ ચૌધરીનું કોરોના કાળ દરમિયાન મૃત્યુ થતાં આ સીટ ખાલી પડી છે. આમ, ખેરાલુ અને ઈત્તર મંડળી એમ બંને ખાલી પડેલી સીટ પર વિધાનસભા ચૂંટણી અગાઉ તાત્કાલિક પેટા ચૂંટણી નહીં યોજાય તો વિવિધ રાજકીય પાર્ટીના ચૂંટણી ઢંઢેરાનું વિશ્લેષણ કર્યા બાદ રાજકીય નિર્ણય લેવાની વાત વિપુલ ચૌધરીએ કરી છે.