સેટેલાઇટમાં મોંઘી બ્રાન્ડનો બનાવટી વિદેશી દારૂ બનાવી ઊંચા ભાવે વેચતા બુટલેગરને પીસીબીએ ઝડપી લીધો છે. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે બુટલેગર પાસેથી રૂ.44 હજારની કિંમતની 22 દારૂની બોટલ, બ્રાન્ડના બનાવટી સ્ટિકરો, ઢાંકણા, ગરણી સહિત કુલ રૂ.49 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીસીબીને બાતમી મળી હતી કે, માણેકબાગ પાસે આવેલા અભિલાષ એપાર્ટમેન્ટમાં ઊંચી બ્રાન્ડનો બનાવટી વિદેશી દારૂ બનાવી ઊંચા ભાવે બુટલેગર વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પીસીબીએ અભિલાષ એપાર્ટમેન્ટમાં છાપો મારી બુટલેગર કૃણાલ મચ્છરને ઝડપી લીધો હતો. કૃણાલ મચ્છર વિદેશી દારૂની બોટલમાં કેમિકલ મેળવી તેની ઉપર હથોડીથી ઢાંકણા ફિટ કરી દેતો હતો અને બોટલ પર ઊંચા બ્રાન્ડનું બ્લેક લેબલ, ટીચર્સ, હાઇલેન્ડર, ઐબ્સલૂટ વોડકા સહિતના પ્રિમિયમ બ્રાન્ડના બનાવટી સ્ટિકરો ચોંટાડી કૃણાલ અને તેના સાગરીતો લોકોને ઊંચા ભાવે આ વિદેશી દારૂ વેચતા હતા.
કૃણાલ અને અન્ય બુટલેગર શાહપુરના અભિષેક મોદી અને ધર્મેશ કાંચા સાથે મળી ઊંચી બ્રાન્ડના સ્ટિકરો, ઢાંકણા, રેપર લાવીને ઘરમાં જ હલકી ગુણવત્તાવાળા દારૂની બોટલ પર લગાવી લોકોને વેચતા હતાં. પોલીસે કૃણાલની ધરપકડ કરીને અત્યાર સુધીમાં કોને-કોને કેટલો દારૂ વેચ્યો છે. તેમજ બનાવટી દારૂ બનાવવાની મોડસ ઓપરેન્ડી તેમજ ગ્રાહકને કેવી રીતે દારૂની બોટલની ડિલિવરી કરતા હતાં. તે અંગેની તપાસ હાથ ધરી છે.