ખાડિયા વિસ્તારના માથાભારે શખ્સ એવા જુગારના બૂટલેગર મોન્ટુ નામદારે પોતાની જુની અદાવતને અંજામ આપ્યો હતો. બુધવારે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાની પોળમાં પોતાની ઓફિસ બહાર જ ફિલ્મી સ્ટાઇલે બેઝબોલના ડંડા અને લાકડીઓ લઈ તેના સાગરીતો સાથે ભેગા થઈ મોન્ટુએ રાકેશ ઉર્ફે બોબી નામના યુવકને ઢોર માર માર્યો હતો. મોન્ટુએ સાગરીતો સાથે રાકેશ ઉર્ફે બોબીને અસહ્ય માર મારતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. માથાભારે મોન્ટુને આઇપીએસ અધિકારીઓ અને વહિવટદારોનું પ્રોટેક્સન હોવાના કરાણે તે કોઇનાથી ન ડરતો હોવાની ચર્ચા છે. આ અંગે ખાડિયા પોલીસે હત્યા અને કાવતરા હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સેટેલાઇટ શ્યામલ ચાર રસ્તા પાસેના હેતવી ટાવરમાં પવન ગાંઘી પરિવાર સાથે રહે છે. તેમણે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે, આરોપી મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચન્દ્ર ગાંધી અને પવનભાઇ પિતરાઇ ભાઇ થાય છે. માથાભારે શખ્સ મોન્ટુ નામદાર વર્ષ 1992માં પવનની સગી બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. આ સમયે કુટુંબ અને સમાજનો વિરોધ હોવા છતાં પણ લગ્ન કર્યા હતા. આમ મોન્ટુએ સમાજના વિરુધ્ધમાં લગ્ન કર્યા હોવાથી બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી.
પવનભાઇના ખાસ મિત્ર રાકેશ ઉર્ફે બોબી એકબીજાની ખુબજ નજીક હતા અને તેમને છેલ્લા કેટલાય સમયથી મોન્ટુ અને તેના પરિવારે કરેલ જમીન કૌભાંડ બાબતે મદદ કરતા હતા.રાકેશ ઉર્ફે બોબી પવનને મદદ કરતો હોવાથી માથાભારે શખ્સ મોન્ટુ નામદારને તે પસંદ ન હતો અને તેની અદાવત રાખી આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી હતી અને બેઝબોલના બેટ જેવા અન્ય હથિયારો ધારણ કરી ગંભીર રીતે રાકેશભાઇને ઢોર માર માર્યો હતો. રાકેશભાઇને ગંભીર રીતે એટલો બધો માર માર્યો કે, શરીર પર અસંખ્ય ઇજાઓ થઇ હતી. અમાનવીય ગંભીર મારના કારણે રાકેશ ઉર્ફે બોબીનું કરુણ મોત નિપજ્યું હતુ. આ અંગે ખાડીયા પોલીસે માથાભારે શખ્સ મોન્ટું નામદાર સામે ગુનો નોધયો હતો. જોકે મોન્ટુ નામદાર પોલીસના બાતમીદાર અને જુગાર બૂટલેગરનો ધંધો કરતો હોવાથી તેના અન્ય મળતીયાઓના નામ ખુલ્યા ન હોવાની ખાડિયા વિસ્તારમાં ચર્ચા ચાલી રહી હતી.
ખાડિયા વિસ્તારમાં જુગારની મોટી કલબ ધરાવતો મોન્ટુ નામદાર ઉર્ફે મોન્ટુ ગાંધી માથાભારે તો હતો જ સાથે તેના વિરુધ્ધમાં અનેક ગુના દાખલ થયેલા છે. મોન્ટુ જુગારની મોટી કલબ ચલાવતો હતો અને મોટા ભાગના આઇપીએસ અધિકારીઓ, સરકારી વકીલો, કર્મચારીઓ તેની સેવા ભરપુર લીધી હોવાની ચર્ચા છે. તે અગાઉ પકડાય ત્યારે તેને છોડાવવા માટે પણ અમુક પોલીસ અધિકારીઓ તેને છોડાવવા માટે ધમપછાડા કરતા અને તેની પાસે મોટી સેવા લેતા હોવાની ચર્ચા છે. અગાઉ તેના અડ્ડા પર રેડ થઇ હતી ત્યારે ખાડિયા પીઆઇ સસ્પેન્ડ થયા હતા અને તેની ઓફિસ તથા તેના સર્કલમાં અનેક વહિવટદારો અને પોલીસકર્મીઓ બેઠા રહેતા હતા.આજ કારણ થી હાલમાં રાકેશ ઉર્ફે બોબીના સાચા હત્યારા ના નામ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ નહીં આવતા હોવાની વાતે આખા ખાડિયા વિસ્તારમાં જોર પકડ્યું છે.
બીજી તરફ ભાજપના જ કાર્યકર રાકેશ ઉર્ફે બોબીની હત્યાની બાબતને લઈ ને સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ દ્વારા ખાડિયા ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના ઇન્ટરવ્યૂ લેવા માટે ફોન કર્યા હતા પરંતુ ભાજપ ના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય રાકેશ ઉર્ફે બોબીની હત્યા મુદ્દે કેમેરા સામે આવતા ગભરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને એક તરફ રાકેશ ઉર્ફે બોબી નો પરિવાર સાચા હત્યારાઓ સુધી પહોંચવા ન્યાય માટે લડી રહ્યા છે.