સેટેલાઈટમાં વલોરાહ (કર્મા) હોલિડે એન્ડ રિસોર્ટ કંપનીના સંચાલકો અને સ્ટાફે લોકો પાસેથી મેમ્બરશિપ પેટે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો છે. મેમ્બરશિપ લેતી વખતે ગ્રાહકોને જે હોટેલો બતાવતા હતા તેમાં રહેવાની સગવડ ન આપી ઓછી ગુણવત્તાની હોટેલોમાં રાખ્યાના આક્ષેપ થયા છે. ભોગ બનનારા 50 જણે શનિવારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કંપની વિરુદ્ધ અરજી આપતાં પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ આદરી હતી.
ન્યૂ વાસણામાં રહેતા શ્રેયસ શાહે જણાવ્યું કે તેમણે ફેબ્રુઆરી 2022માં સેટેલાઇટમાં સ્ટારબજાર પાસેના ઈસ્કોન ઈન્પોરિયો બિલ્ડિંગમાં આવેલી વલોરાહ (કર્મા) હોલિડે એન્ડ રિસોર્ટ કંપનીમાં રૂ.40 હજાર ભરીને 3 વર્ષ માટે કંપનીની મેમ્બરશિપ લીધી હતી, જેમાં તેમને 3 વર્ષમાં ફાઈવ સ્ટાર-સેવન સ્ટાર હોટેલમાં કપલને 21 નાઈટ ફ્રી-સ્ટે આપવાની વાત કરી હતી.

શ્રેયસ શાહની જેમ સ્વાતિ શાહ, જીગર ચોકસી, નિમેશ ગાંધી, કૃપલ દોશી, કૃપા શાહ, રિદ્ધિ પોપટ, મયૂર પટેલ, પ્રિયંકા પ્રજાપતિ, કાજલ ચૌહાણ, જ્યોતિ બારોટ, જલ્પેશ પટેલ, નલિની અગ્રવાલ સહિતના લોકોએ લાખો રૂપિયા ભરીને મેમ્બરશિપ લીધી હતી, પરંતુ કંપનીએ મેમ્બશિપ આપતી વખતે જે ધારાધોરણ કહ્યાં હતાં અને કાગળ પર દર્શાવ્યાં હતાં તે પ્રમાણેની હોટેલ કે સગવડ આપી નહોતી, જેથી કંપની સામે ફરિયાદ કરવા 35 સ્ત્રી-પુરુષોએ 25 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ કરી હતી.
ભોગ બનનાર લોકોએ જણાવ્યું કે, કંપનીએ બહાર પાડેલી જુદી જુદી સ્કીમમાં 3-5 અને 7 એમ જુદા જુદા વર્ષ માટે મેમ્બરશિપ લેવાની હતી. કોઇ પણ મેમ્બરને પરિવાર સાથે બહારગામ જવું હોય એટલે કંપનીની સાઈટ પર ઓનલાઈન બુુકિંગ કરાવે એટલે પહેલાં તો એવો મેસેજ આવે કે 90 દિવસ પહેલાં બુકિંગ કરાવવું પડશે.
ત્યાર બાદ તેમણે જે હોટેલ બતાવી હોય તેમાં બુકિંગ નહીં હોવાનું કે તે હોટેલ સાથે હવે ટાઇઅપ નથી તેવું કહી તે હોટલમાં બુકિંગ ન આપતા, બીજી હોટલનું બુકિંગ આપતા. કંપનીની વેબસાઈટ પર વિદેશ ટૂરની મેમ્બરશિપની પણ માહિતી આપી છે.

વલોરાહ-કર્મા હોલિડે એન્ડ રિસોર્ટ કંપની અને ગ્રાહકો વચ્ચે 6 મહિનાથી વિવાદ ચાલતો હતો. અગાઉ પણ ભોગ બનનારાએ અરજી આપી હતી, જ્યારે શનિવારે 35 લોકોએ અરજી આપી હતી, તેમાં આંકડો રૂ.25 લાખ કરતાં વધુનો હોવાથી ફરિયાદ માટે પોલીસ કમિશનરની મજૂરી માગી છે. – ડી. બી. મહેતા, પીઆઈ, સેટેલાઈટ પોલીસ સ્ટેશન
શનિવારે બપોરે જ સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોંચી, પહેલાં ઝોન-7 ડીસીપી બી.યુ.જાડેજાને મળીને રજૂઆત કરી હતી, જેથી તેમણે સેટેલાઇટના પીઆઈ ડી.બી.મહેતાને રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી, જેના આધારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.