કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ફન રાઈડ એક્ટિવિટી ફરી શરૂ કરવા જરૂરી તમામ મંજૂરી મળી ગઈ હોવાથી સ્ટેન્ડિંગ કમિટીએ પણ બહાલી આપી છે. જો કે, આશ્ચર્યજનક રીતે 3 વર્ષ અગાઉ ડિસ્કવરી રાઈડ દુર્ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતા ત્યારે જે કોન્ટ્રાક્ટર પાસે રાઈડનો કોન્ટ્રાક્ટ હતો તેને જ રાઈડ ફરી શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. રાઈડના કોન્ટ્રાક્ટર ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ છે. તેમની સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ ફરી મંજૂરી અપાઈ છે.
કોન્ટ્રાક્ટરે એવી બાંયધરી આપી હતી કે, તે મેન્યુઅલ ગાઈડલાઈન પ્રમાણે મેઈન્ટેનન્સ શીડ્યૂલનો અમલ કરશે. એ પછી સબકમિટીએ વાંધા પ્રમાણપત્ર આપ્યું હતું. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થાય તો તેની તમામ જવાબદારી માત્ર રાઈડ માલિકો અને સંચાલકોની રહેશે તેવી બાંયધરી લઈને એમ્યુઝમેન્ટ પાર્ક-2માં આવતી રાઈડ્સની ચકાસણી કરાવી આઈએસઓ એજન્સીનું પ્રમાણપત્ર મેળવી લેવા સૂચના અપાઈ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, મ્યુનિ.એ ભાડે આપેલી જગ્યાએ કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી મ્યુનિ.ની ન ગણાય. તમામ તપાસ રિપોર્ટ બાદ મ્યુનિ. કમિશનરે આ એજન્સીને કામ સોંપ્યું છે. જો કે, કોન્ટ્રાક્ટર રદ કરવાની કોઈ જોગવાઈ મૂળ કોન્ટ્રાક્ટમાં દર્શાવાઈ નથી. આ એજન્સીને 20 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 2014 થી 2034 સુધી તેની કામગીરી ચાલુ રહેશે. ત્યારે તેના કોન્ટ્રાકટ પેટે મ્યુનિ.ને એજન્સીની આવકના 10 ટકા રકમ મળે છે.
2014 થી 2022 સુધીમાં મ્યુનિ.ને આ રાઇડના કોન્ટ્રાક્ટ પેટે માત્ર રૂ. 1.54 કરોડની આવક થઇ છે. એટલે કે વર્ષે રૂ. 20 લાખ જેટલી આવક જ નોંધાઇ છે. 2019ના જુલાઈમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડી તેના 6 દિવસ પહેલાં જ રાઈડના જોઈન્ટમાં ખામી હોવાનો રિપોર્ટ થયો હતો તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા બે લોકો મૃત્યુ પામ્યા હતા અને 29ને ઈજા થઈ હતી.
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનશિપ હેઠળ શરૂ કરવામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કનું 25 ડિસેમ્બર 2014ના રોજ ઉદઘાટન થયું હતું અને 26 ડિસેમ્બર 2014થી એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન 14 જુલાઇ 2019ના રોજ આ રાઇડ તૂટી પડી હતી. એટલે કે માત્ર 5 વર્ષમાં જ રાઇડ તૂટી પડી હતી.
એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડનું લાઈસન્સ પોલીસ આપે છે. પરંતુ આ લાઈસન્સ પહેલાં સરકારના આરએન્ડબી વિભાગ ઈન્સ્પેક્શન કર્યાનું પ્રમાણ પત્ર અને ફાયર વિભાગ ફાયરસેફ્ટીનું પ્રમાણપત્ર આપે છે. તે પછી પોલીસ લાઈસન્સ આપે છે. જુલાઈ 2019માં ડિસ્કવરી રાઈડને અકસ્માત પહેલાં કોન્ટ્રાક્ટરે સેફ્ટી એક્સપર્ટ પાસેથી મેળવેલા પ્રમાણપત્રમાં રાઈડના નટ-બોલ્ટ રિપ્લેસ કરવા ઉપરાંત અન્ય ત્રણ બાબતની તાકીદ કરાઈ હતી. પણ કોન્ટ્રાક્ટરે કોઈ સતર્કતા ન રાખતા દુર્ઘટના થઈ હતી.
કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી રાઇડ દુર્ધટના બાદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના માલિક ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઇ હોવાને કારણે આ કંપનીને બ્લેકલિસ્ટ નહીં કરવામાં આવી હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે કર્યો છે. એમ્યુઝમેન્ટ પાર્કની અન્ય રાઇડ નિરીક્ષણ કે મેઇન્ટેનન્સની કોઇ નીતિ મ્યુનિ. પાસે નથી. કંપનીની માનવસર્જિત બેદરકારીને જાણી જોઇને બદઇરાદાથી ભીનું સંકેલી જવાબદારોને છાવરવામાં આવી રહ્યા છે.
2019ની 14 જુલાઈએ કાંકરિયા ખાતે ડિસ્કવરી રાઈડ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ વખતે ખૂલ્યું હતું કે, સ્ટાન્ડર્ડ કંપનીને બદલે એસેમ્બલ કરાયેલી રાઈડને મંજૂરી આપવામાં આવી હતી. રાઈડ એસેમ્બલ કરેલી હોવાથી વીમો પણ મળ્યો ન હતો. 4 વર્ષથી ડિસ્કવરી રાઈડ એસેમ્બલ કરીને ચલાવાતી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 26 લોકોમાંથી 6ની કરોડરજ્જુ ભાંગી ગઈ હતી. કેટલાક લોકો રાઈડની ચેરમાં ફસાઈ જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે એક્સપર્ટ અધિકારીઓ પાસે રાઈડ્સનું સઘન ચેકિંગ કરાવી સર્ટિફિકેટ આપતાં એનઓસી મળી છે. જેથી બૂમરેંગ, રોલર કોસ્ટર, ડિસ્કોફ્લિપિંગ એક્શન આર્મ રાઈડ શરૂ થશે.