લાચિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે તેવી કહેવત કદાચ લાચિયાઓ પર સાર્થક થતી જોવા મળે છે. એસીબી લાચિયાઓ પર તવાઈ પણ બોલાવી રહી છે. ત્યારે એસીબીએ છટકું ગોઠવી દસક્રોઈ તાલુકાના તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરને રૂ.5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.ઉલ્લેખનીય છે ગામમાં આવેલ જમીનમાં વારસદાર તરીકે પરીવાર અન્ય સભ્યોના નામ ઉમેરવા લાંચની માંગણી કરી હતી.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોટી ટિબળી ગામ ખાતે જમીન આવેલી છે.જેમાં જમીનમાં પિતાની સીધી લીટીમાં વારસદાર તરીકે પોતાનું અને પરિવારના અન્ય સભ્યોના દાખલ કરી પેઢીનામું બનાવવા દસક્રોઈ તાલુકામાં ચમનભાઈ ડાભી (વી.સી.ઇ)કે જેઓ કોમ્પ્યુટર ઓપરેટર છે તેમનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો. જે બાદ આ આરોપીએ ફરિયાદી પાસે પોતાના અને દસક્રોઈ તાલુકામાં ગ્રામ પંચાયતના જશુબેન ચાવડા (તલાટી કમ મંત્રી)ને જમીનમાં નામ ઉમેરવા અને પેઢીનામું બનાવવા કુલ 7 હજારની માંગણી કરી હતી.જોકે ફરિયાદી એ રકઝક કરતા અંતે રૂ.5 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.પરંતુ ફરિયાદીએ લાંચની રકમ ન આપવાની હોવાથી એસીબીનો સંપર્ક સાધ્યો હતો. જે બાદ એસીબીએ છટકું ગોઠવી તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રૂ.5 હજારની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયા હતા. બાદમાં એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.