ઈથાઈલનો બુરખો ઓઢી મીથાઈલે સુશાસન ને નશાસન સાબિત કરવા રચેલુ ષડયંત્ર ગુજરાતના જાંબાઝ પોલીસ તંત્રે ખુલ્લુ પાડ્યુ તે બદલ અભિનંદન. લઠ્ઠો એટલે શું ? એ નહી જાણતા અને વિપક્ષે કેમીકલ લોચાને લઠ્ઠાકાંડમાં ખપાવી મોદીના ગુજરાતને બદનામ કરવા કરેલી બુમરાણોને ખોટી સાબિત કરવા તંત્રે રસાયણશાસ્ત્ર નો સહારો લઈ ઉમદા કામગીરી કરી બતાવી. વિજય રૂપાણીએ જેમ ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપ્યુ હતુ એજ રીતે ભૂપેન્દ્રભાઈએ લઠ્ઠાકાંડ નુ કેમીકલકાંડ નામકરણ કરી મુખ્યમંત્રી બદલાવાથી ભાજપની કામ કરવાની પધ્ધતિ નથી બદલાતી એ સિધ્ધ કર્યુ. હર્ષનો સંઘ લઠ્ઠાકાંડથી કેમીકલકાંડ સુધી પહોચાડવા અથક પ્રયત્નો કરનાર ગુજરાતના કુશળ પોલીસ અધિકારીઓને પંદર ઓગષ્ટે વિશેષ સન્માન આપવા સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.
આભાર માનો પોલીસ બેડાનો કે લઠ્ઠામાં કેમીકલ કાઢ્યુ,આતંકી એંગલ ના કાઢ્યો બાકી મીડીયાથી ભાગતા ભાજપ પ્રવક્તાઓએ વિરોધીઓને ટીવી ડીબેટ્સમાં ઉંધા પાડી દીધા હોત.ઈથાઈલ ને ઈસાઈ અને મીથાઈલ ને મુસ્લીમ સાથે સરખાવી હીંદુઓ પર કેમીકલ વેપનના પ્રયોગની થીયરી ઘડી કઢાઈ હોત તો વિરોધીઓની જોવા જેવી હાલત થાત. પરંતુ ઈથાઈલ અને મીથાઈલમાં અંતર નહી રાખી સરકાર બન્ને સામે એકસરખી કાર્યવાહી કરી રહી છે તે બતાવે છે કે ખુન ચપ્પુથી થાય કે બંદુકથી ખુન એ ખુન છે.
ગુજરાત પોલીસ ડ્રગ્સ અને વિદેશી દારૂ પાછળ વ્યસ્ત ના રહી હોત તો મીથાઈલની મજાલ ન્હોતી કે પચાસ લોકોની જીંદગી સાથે મજાક કરી જાય. પોલીસ ચોરી રોકવામાં લાગે ને કોઈ ખુન કરી જાય, કે બંદોબસ્તમાં હોય ને ક્યાંક બળાત્કાર થઈ જાય તો બીચારી બાપડી પોલીસ કરે તો શું કરે ? વરસોથી દેશી દારૂ પીનારાઓને ઈથાઈલ અને મીથાઈલના સ્વાદ, ગંધ કે રંગમાં ફરક ના સમજાય એમાં તંત્રનો શું વાંક ? અલ્પેશ ઠાકોરે સાચુ જ કહ્યું કે નકલી દારૂ ના પીવો જોઈએ, પણ એનો અર્થ એતો નહી ને કે સરકાર ખુદ શુધ્ધ દેશી દારૂ બનાવવાની ટ્રેઈનીંગ આપવાની શરૂ કરે. થોડીક આત્મનિર્ભરતા તો બુટલેગરો અને દારૂડીયાઓએ કેળવવી પડે કે નહી ?
આ હર્ષ સંઘવી થોડા નાના અને નવા એટલે દારૂ નથી મળતો એટલે બુટલેગરો કેમીકલનો આશરો લેવા મજબુર થયા એવી વાત કરવાની સાથે સાથે તેત્રીસ હજાર લીટર દારૂ બે દિવસમાં પકડ્યો એવો દાવો કરી બેઠા. પણ એમના ભોળપણને ભ્રષ્ટાચાર થોડુ સમજી લેવાય. બીચ્ચારા સંઘવી સાહેબ નાના પગે કેટલુ દોડે…આટલુ સમજવુ જોઈએ. એક નાગરિક તરીકે તમારા ટેક્ષ સામે સુવિધાઓ માંગતા હોવ તો હપ્તા સામે પણ થોડીઘણી સગવડ આપવી પડે કે નહી ! આવી મોઘવારીમાં નાના પગારમાં ઘર નથી ચાલતા ઈમાન કેમનુ ચાલે ?
ગુજરાત વિરોધીઓનો એક વર્ગ છે જે હીંદુત્વ કરતાં બેકારી, મોઘવારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા, સસ્તુ આરોગ્ય ને શિક્ષણ , રોડ-રસ્તા ને નાગરિક સુવિધાઓ જેવા બહાને સરકાર ને બદનામ કરવા તક ઝડપી લે છે.રાજ્યની શાણી જનતા સમજે છે લઠ્ઠો જુઠ્ઠો ને તંત્ર સાચુ છે. એટલે આ મરે કે પેલો મરે, મતપેટી તો ભાજપની જ ભરે..તો કાગારોળ શેની ?
દારૂના નશા કરતા કેસરીયુ અફીણ વધુ અસરકારક છે.ગોધરાકાંડ થાય, લઠ્ઠાકાંડ થાય કે કેમીકલ કાંડ થાય આવશે તો મોદીજી…જ ! પથ્થર પર લખાયેલ લકીર ને તકદીર સમજી ચાદર ઓઢીને સુઈ જાઓ….બીજો લઠ્ઠા..અરે માફ કરજો કેમીકલકાંડ ના થાય ત્યાં લગી.