ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્ટ જાહેર થયું તેમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.
ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.
ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે વેરાવળમાં જનસભા સંબોધી હતી. આ ઉમેદવારો અંગે ગુજરાત પ્રદેશ સંગઠન અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના ઝોનની શહેરી વિસ્તાર વિધાનસભાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે.