ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ધારાસભ્ય વસોયા આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને દૂર રાખી મુખ્ય મહેમાનપદે ભાજપના નેતાઓને સ્થાન અપાતા આ વાતે વધુ વેગ પકડ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા આગામી તા.14ના ધોરાજી ખાતે સ્વ.રણછોડભાઇ કોયાણી માર્ગ નામાંકન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમના અધ્યક્ષપદે ભાજપના સાંસદ રમેશ ધડુક અને તકતી અનાવરણ પૂર્વ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે રાખવામાં આવ્યું છે, આ કાર્યક્રમની પત્રિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, સાંસદ ધડુક અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની તસવીરો છે, પરંતુ કોંગ્રેસના એકપણ ધારાસભ્ય કે નેતાનો ફોટો તો ઠીક નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, અને આ બાબત સ્થાનિક રાજકારણીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે, અને આગામી ચૂંટણી ભાજપમાંથી લડશે તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, દર વખતે લલિત વસોયાએ આ મુદ્દે પોતે કોંગ્રેસમાં જ હોવાની સ્પષ્ટતા કરી છે પરંતુ તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ગુજરાત કોંગ્રેસના જે સાત ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યું હતું તેમાં પણ લલિત વસોયાનું નામ ઉછળ્યું હતું. ધારાસભ્ય વસોયા વડાપ્રધાનની આગામી ગુજરાત મુલાકાત વખતે ભાજપમાં જોડાઇ જશે તેવી ચર્ચાઓ વચ્ચે આ આમંત્રણ પત્રિકાએ તે ચર્ચાને વધુ જોર આપ્યું છે.