ગુજરાત પોલીસના ગ્રેડ-પેના વધારાને લઇને સરકાર સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ મોટી જાહેરાત કરી શકે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમોને જણાવ્યું કે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ 14 ઓગસ્ટે તમામ પોલીસકર્મીઓને આનંદ થાય તેવી જાહેરાત કરશે. સંઘવીએ કહ્યું કે, ગ્રેડ-પે મુદ્દે મુખ્યમંત્રીએ અગાઉ બેઠક કરી હતી.સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ ગયો હતો અને નાણાં વિભાગે આ માટે આવશ્યક એવી મંજૂરી પણ આપી દીધી છે.
સંઘવીએ આમ આદમી પાર્ટીમાંથી કોઇનું નામ લીધાં વિના શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવું થઇ રહ્યું છે. ગુજરાતમાં આવાં મુદ્દા પર ક્યારેય રાજનીતિ થઇ નથી. સુખદ સમાચાર તરફ કોઇ વિષય જઇ રહ્યો હોય, ત્યારે કેટલાંક લોકો પોતાની રાજકીય લાલચ માટે રોકવાનો પ્રયાસ કરે છે. અમે આ મુદ્દે કોઈ પણ પ્રકારની રાજનીતિ કરવા માગતા નથી.
આ તરફ પોલીસકર્મીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ વહેતાં થયાં હતાં જેમાં કહેવાયું હતું કે ગ્રેડ-પે મુદ્દે રાજનીતિ ન જોઇએ અને કોઇનેે રાજનીતિ કરવા દેવી ન જોઇએ. સરકાર આ મુદ્દે જાહેરાત કરવાની જ હતી અને જાણી જોઇને પોલીસને ઉશ્કેરવાનું કામ થઇ રહ્યું છે. આ મામલે ષડયંત્ર ચાલી રહ્યું છે.