AHMEDABAD : લો બોલો ! અટલ બ્રિજ ઉપર 30 મિનિટ લટાર મારવા માટેના પણ આપવા પડશે રૂપિયા ! પહેલા ફ્રી અને હવે રૂપિયા !

0
343

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલાં આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બે દિવસમાં 1 લાખ જેટલા લોકોએ બ્રિજની મુલાકાત લીધી છે ત્યારે હવેથી અટલ ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે ટિકિટ લેવી પડશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ ફૂટ ઓવર બ્રિજના ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 30 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 15 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે જ્યારે વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આવતીકાલે 31 ઓગસ્ટથી ટિકિટના દર લાગુ પડશે. મુલાકાતીઓ ફૂટ ઓવરબ્રિજ ઉપર માત્ર 30 મિનિટ જ ફરી શકશે તેનાથી વધારે સમય ફરી શકશે નહીં.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જણાવ્યા મુજબ અટલ ફૂટ ઓવર બ્રિજ ઉપર પ્રવેશ માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. સાથે ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્કની સંયુક્ત ટિકિટ મેળવી શકે તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક જોવી હશે તો બાર વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 40 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 20 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ફૂટ ઓવર બ્રિજમાં સવારે 9:00 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાશે.

  • અટલ બ્રિજમાં મુલાકાતીઓનો પ્રવેશ સવારે 09.00 ક્લાકથી રાત્રીના 09.00 ક્લાક સુધી રહેશે
  • બ્રિજ પર કોઈપણ મુલાકાતી 30 મિનિટ થી વધુ રોકાઈ શકશે નહી
  • મુલાકાતીઓને પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમીનાડથી જ પ્રવેશ આપવામાં આવશે
  • કોઈપણ પ્રકારના ગુટખા, પાન-મસાલા, કેફી દ્રવ્યો બ્રિજ પર લઈ જવાની સખ્ત મનાઈ છે
  • કોઈપણ પ્રકારના ઘરેથી લાવેલ ખોરાકને બ્રિજ પર લઈ જવાની મંજૂરી નથી
  • પાલતુ પ્રાણીઓ સાથે બ્રિજ પર પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે.
  • મુલાકાતીઓએ કચરો ડસ્ટબીનમાં જ નાખીને બ્રિજની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહભાગી બનવું
  • કોઈપણ પ્રકારના રમત-ગમતના સાધનો બ્રિજમાં લઈ જવાની સખ્ત મનાઈ છે
  • કોઈપણ પ્રકારના ફેરીયાઓએ બ્રિજમાં વેચાણ અર્થે પ્રવેશ કરવો નહીં
  • બ્રિજ પરના ફૂલ-છોડ સહિતની અન્ય કોઈપણ પ્રકારની મિલકત અસ્ક્યામતને તોડવી નહિ
  • શોર-બકોર, મ્યુઝિક વગાડવું, ડાન્સ કરવો, રમતો રમવી વિગેરે જેવી પ્રવૃતીઓ કરવાની સખ્ત મનાઈ
  • કોઈપણ પ્રકારની પ્રોફેશનલ ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી સાબરમતી રિવરફ્રન્ટના નીતિ નિયમો મુજબ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here