AHMEDABAD : વિવાદની કલબ ! કર્ણાવતી ક્લબના જીમમાં ડંબેલ્સ નીચે પડતા હેલ્થ કમિટીના ચેરમેન વિરલ પટેલે યુવકને તમાચો માર્યો !

0
227

શહેરના એસ.જી હાઇવે પર આવેલી કર્ણાવતી કલબમાં એક યુવક રવિવારે સવારે જીમમાં કસરત કરતો હતો. ત્યારે તેનાથી કસરતનું સાધન પડી જતા કર્ણાવતી કલબની હેલ્થ કમિટીના ચેરમેન વિરલ પટેલ ગુસ્સે થયા હતા. તેમજ કલબના ચેન્જિંગ રૂમમાં યુવકને લઇ જઇને તમાચો મારી દીધો હતો. જેના કારણે મોટો ઝઘડો થયો હતો. યુવકે તેના પિતાને જાણ કરતા મામલો બિચક્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાતાં તાત્કાલિક સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા, આથી પોલીસ પહોંચતાની સાથે જ મામલો અંદરો-અંદર ઠંડો પાડી દેવાના પ્રયાસ કરાયો હતો. જો કે પોલીસને હાલ તો સમાધાન થઇ ગયુ હોવાની કહીને પરત મોકલી દેવાઇ હતી. પરંતુ આ મામલો ઉગ્ર બની રહ્યો છે. કારણ કે હેલ્થ કમિટીના ચેરમેન વિરલ પટેલે એક વાર નહી બે વાર નહીં, પરંતુ પાંચમી વખત આવુ કૃત્ય આચર્યું હોવાથી અન્ય સભ્યોમાં નારાજગી વ્યાપી છે. જો કે વિરલ પટેલને સત્તાધીશો દ્વારા છાવરવામાં આવતો હોવાની ક્લબના મેમ્બરોમાં ચર્ચા ચાલી રહી છે.
બોડકદેવ વિસ્તારમાં રહેતા કમલેશભાઇ સાજલાણીના કર્ણાવતી કલબના મેમ્બર હોવાથી તેમનો પુત્ર કૌલદ્વીશ જીમમાં કસરત કરતો હતો. તે વખતે કલબની હેલ્થ કમિટીના ચેરમેન વિરલ પટેલે જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં બોલાવીને કૌલદ્વીશને બોલાવીને તમાચો મારતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે ૨૦ જેટલા કર્ણાવતી કલબના મેમ્બરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આથી વિરલ પટેલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તાબડતોબ કલબની બોર્ડની મિટીંગ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ યુવકના પરિવારને આશ્વાસન આપીને બે દિવસમાં કોઇ નક્કર કાર્યવાહી કરવાનું જણાવાયું હતું.
આ અંગે ઝોન-૭ના ડીસીપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે પોલીસ કર્ણાવતી કલબમાં પહોંચી હતી. તેમજ જીમમાં બે સભ્યોને કોઇ કારણસર ઝઘડો થયો હતો, પરંતુ બંન્ને પક્ષે સમાધાન થઇ ગયુ હોવાનું પોલીસને કહેતાં હાલ કોઇ કાર્યવાહી કરવામા આવી નથી. આ અંગે કર્ણાવતી કલબના હેલ્થ કમિટીના ચેરમેનનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી. બીજી તરફ ભોગ બનનાર કૌલદ્વીશનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, હાલ હું ખૂબ જ ડિસ્ટર્બ છું. એટલે આ અંગે તમે મારા પિતાને પૂછી જુઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here