શેરાએ શહેરમાં 8થી 9 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે. શહેરમાં નાની-મોટી દુકાનો અને સ્ટોલ મળી આંકડો લગભગ 10 હજારે પહોંચી ગયો છે. અત્યારે ફાફડા રૂ. 560થી 960 કિલો અને ચોખ્ખા ઘીની જલેબી રૂ. 700થી 1080 કિલોનો ભાવ ચાલી રહ્યો છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકાનો ભાવનો વધારો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે.
અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના પ્રમુખ કમલેશ કંદોઇએ જણાવ્યું કે, સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગનાના લોકો ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડશે અને અમદાવાદમાં આશરે 8થી 9 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે.
એક અગ્રણી કંદોઈએ કહ્યું, આ વર્ષે કોર્પોરેટ ઓર્ડરમાં ઘટાડો થયો છે. જો કે, છૂટક વેચાણમાં વધારો થઈ શકે છે. એસોસિએશનના એક હોદ્દેદારના જણાવ્યા અનુસાર જાણીતી દુકાનોમાંથી 200 કિલોથી માંડી 1 હજાર કિલો સુધીના ફાફડા-જલેબીનું વેચાણ થતું હોય છે.