શહેરમાં પાર્કિંગ સમસ્યાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ વિસ્તારોમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યાં છે. જેમાં પૂર્વ વિસ્તારમાં કાંકરિયા ખાતે રૂપિયા 28 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ બંધ હોવાનું જાણવા મળ્યું છે. મલ્ટિલેવલ પાર્કિંગની ફાયર NOC પણ છેલ્લા એક વર્ષથી રીન્યૂ કરવામાં આવી નથી.
ફાયરનાં જેટલાં પણ સાધનો મલ્ટિલેવલ પાર્કિંગમાં લગાવેલાં છે, તે કાટ ખાઈ ગયાં છે. તેને છેલ્લાં કેટલાય વર્ષથી જોવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. મલ્ટિલેવલ પાર્કિંગ ખાનગી કોન્ટ્રાક્ટરને ચલાવવા માટે આપી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ ફાયર ફાઈટિંગ સિસ્ટમ કાર્યરત છે કે કેમ? તેનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. જેથી ક્યારેય પણ જો આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર ફાઈટિંગ સિસ્ટમનો ઉપયોગ જ થઈ શકે તેમ નથી.

અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગની ફાયર NOC સિસ્ટમમાં જણાતી નથી. ફાયર NOC રીન્યૂ થઈ નથી. ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગની ફાયર NOC રીન્યૂ કરાવેલી નથી અને ફાયર એનઓસી રીન્યૂ કરવાની જવાબદારી જે તે વપરાશકર્તાની હોય છે.

કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ખોડલ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફાયરબ્રિગેડનાં તમામ સાધનોને મેન્ટેનન્સ અને રિપેરિંગ બાબતની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, ત્યારે ખુદ કોન્ટ્રાક્ટર દ્વારા જ આ રીતે ફાયર ફાઈટિંગનાં સાધનો ચાલુ છે કે બંધ હાલતમાં છે? તે ધ્યાન રાખવામાં આવતું નથી. જેના કારણે ગમે ત્યારે જો હવે મલ્ટિલેવલ પાર્કિંગમાં આગ લાગે અને ફાયર બ્રિગેડના જવાનો જ્યારે ફાયર ફાઈટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે લગાવેલી સિસ્ટમ મારફતે આગ બુઝાવવાનો પ્રયત્ન કરે તો આ સાધનો જ કામ નહીં કરે.