ખાણીપીણીના શોખીન અમદાવાદીઓને રાત પડ્યે ખાવાનું મન થાય ત્યારે તેમને માણેકચોકની યાદ આવે. માણેકચોકનું રાત્રિ ખાણીપીણી બજાર દેશભરમાં જાણીતું છે. હવે આ ખાણીપીણી બજારમાં પોલીસ -વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચેની તકરારને લઇને રાત્રે ભાજીપાઉ, ઢોંસો, સેન્ડવીચ કે કુલફીની મજા માણવા જતા ગ્રાહકોને હવે રોડ પર બેસીને જમવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દરેક પક્ષે જુદી જુદી વાતો રજૂ થઇ રહી છે પરંતુ પરેશાની તો પૈસા ખરચીને જમવા આવતા ગ્રાહકોને થઇ રહી છે.

સ્થાનિક વિસ્તારના કેટલાક વેપારીઓની દલીલ સાથે ગંભીર આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ મથકના વહિવટદાર પ્રકાશ વાઘેલા દ્વારા ખોટી રીતે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે જે આપવાનો વેપારીઓએ ઇનકાર કરી દેતાં તેણે ખુરશી ટેબલ હટાવી દેવાની ધમકી આપી હતી અને મંગળવારથી તેણે પોલીસ પાવર બતાવી ખુરશી ટેબલ હટાવી લેવડાવ્યા છે. જેને પગલે ગ્રાહકોને રોડ પર બેસવું પડે છે.
આ મુદ્દે કેટલાક વેપારીઓ સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ. સોલંકી સમક્ષ રજૃૂઆત કરવા પણ ગયા હતા. ત્યારે તેમની રજૂઆત એવી હતી કે સ્થાનિક રહેવાસીઓ દબાણથી પરેશાન થઇ ગયા છે. માટે તેમની ફરીયાદોને ધ્યાને લઇને પોલીસે કાર્યવાહી કરી છે.
એક પૂર્વ એસીપી પોતાની ટીમ સાથે માણેક ચોકથી લગભગ સાતેક કિ.મી દુર ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમીને જમવાનો પ્લાન ઘડ્યો. તો તરત જ એસીપીએ માણેક ચોકની એક લારીવાળાને ફોન કરીને ઓર્ડર લખાવ્યો. ઓર્ડર પુરો થયો ત્યારે ગણતરી કરતાં તેનું બિલ આઠ હજાર થતું હતું. જોકે પૈસાતો મળવાના જ નહોતા અને પાછું છેક ગ્રાઉન્ટડ પર પાર્સલ આપવા જવું પડ્યું.
માણેકચોકના વેપારીઓનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ સ્ટેશન જ નહિ પરંતુ પોલીસ કંટ્રોલ રૂમથી લઇને અન્ય પોલીસ મથકના કર્મચારીઓ ગમે ત્યારે આવીને જમી જતા હોય છે. તેમજ પાર્સલ પણ લઇ જતા હોય છે. શનિ-રવિવારે તેમના ઓળખીતાઓના આગમનને લઇને મહિને દહાદે પોલીસ માત્ર માણેક ચોકમાંથી જ 3 લાખ રૂપિયાનું જમી જતી હોય અને લોકોને જમાડીત હોય છે .
માણેક ચોકમાં સાંજ પડતાંની સાથે જ લારીઓ ગોઠવાઇ જતી હોય છે. દિવસે દિવસે લારીઓ વધતી જઇ રહી છે. હવે દરેક લારી વાળા ખુરશી ટેબલ પણ વધારી રહ્યા છે. જેને પગલે સ્થાનિક વિસ્તારના લોકો પોતાના વાહન લઇને ઘરે પણ જઇ શકતા નથી. ઇમર્જન્સીમાં 108 પણ અંદર જઇ શકે નહિ તેવી સ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિક લોકો દ્વાર કંટ્રોલ મેસેજ કરીને ફરીયાદ કરવામાં આવી રહી છે. આવી હજારો ફરિયાદો મળતાં પોલીસને પગલાં લેવા પડ્યા છે.