હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક બીજા કરતાં વધુ ખૂંખાર આતંકવાદીઓ અને માથાભારે કેદીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. દેશભરમાં ચર્ચાનો વિષય બનેલો બાહુબલી નેતા અતિક અહેમદ, ખંડણીકિંગ વિશાલ ગોસ્વામી, ડ્રગ્સ કેસના સૂત્રધાર કિશોરસિંહ રાઠોડ, સુભાષસિંઘ ઠાકુરના સાગરિત મનિષસિંઘ અને અમદાવાદના પણ માથાભારે કેદીઓ સાબરમતી જેલમાં બંધ છે. હવે કોઇ પણ કેદીની કોઇ પણ સમસ્યા હોય તો તેના નિકાલ માટે સોની સાહેબનો જ સંપર્ક કરવો પડે. માત્ર કેદીઓ જ નહિ પરંતુ જેલના કોઇ અધિકારીઓને પણ જેલની કોઇ અંતરંગ વિગતો મેળવવી હોય તો સોની સાહેબને પૂછવું પડે.
છેલ્લા ઘણા વર્ષોથી જેલમાં સોની નામના અમદાવાદીનું ચલણ સોનાના ભાવની જેમ વધતું જઇ રહ્યું છે. એક કેસમાં લગભગ દાયકા સુધી જેલમાં રહેલો સોની હોંશિયાર હોવાથી કેદીઓ અને અધિકારીઓ બન્ને તેની મદદ લેતા હતા. જેને પગલે જેલમાં તેના સિક્કા પડવા લાગ્યા. તેણે લાંબા સમય સુધી જેલમાં રહીને જેલનું કામ કર્યું. હવે તે જેલમાંથી બહાર આવી ગયો છે. હવે જેલની બહાર રહીને જેલનું કામ કરી રહ્યો છે.
હવે તો અમદાવાદ પોલીસ પણ જેલની વિગતો માટે સોનીનો સંપર્ક કરતી થઇ ગઇ છે. જેલના માથાભારે કેદીઓ અને પોલીસની નિકટતા હવે સોનીને ફળી રહી છે. હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જેલના કોઇ કેદીને પોતાની સમસ્યા કોઇ ચોક્કસ અધિકારી સુધી પહોંચાડવી હોય અથવા તો કોઇ ચોક્કસ વિગત અધિકારીને પહોંચાડવી હોય તો તેનું માધ્યમ માત્ર સોની છે.
આવી જ રીતે જેલ બંધ કોઇ પણ કેદીને પણ બહારથી કોઇ સંદેશો પહોંચાડવો હોય તો સોનીના માધ્યમથી જ થઇ શકે. હાલ અધિકારીઓ અને કેદીઓનો ઘરોબો સોની માટે પણ ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે.