સવારમાં સૂર્યનાં કિરણો નીકળતાં જ ભારતીય મીડિયામાં એક બીજા કિરણની ચર્ચા શરૂ થઈ જાય છે. આ કિરણ એટલે ભલભલાને ભૂ પાનારો મહાઠગ. PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાની ઓળખ આપી ઠગાઈ કરનારો કિરણ કેટલો ‘દૂરંદેશી’ કે તેણે પ્રોપર્ટી પચાવી પાડવાને જ પોતાનો મુખ્ય ધંધો માની લીધો. કાશ્મીર ફરવાની વાત તો ઠીક છે, પણ મોંઘી મોંઘી પ્રોપર્ટી તેની નજરમાંથી બચી શકતી નહોતી.
કાશ્મીરમાં PMOના અધિકારીની ખોટી ઓળખ આપી હાઇ સિક્યુરિટી લઇને ફરતા કિરણ પટેલના એક બાદ એખ કરાનામાં સામે આવી રહ્યા છે. ત્યારે ઠગ કિરણ પટેલ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના એક વેપારીને PMOના અધિકારીની ઓળખ આપી બંગલો રીનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. જે મામલે વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઇલાબેન સાથેની વાતચીત બાદ કિરણ પટેલ જગદીશભાઈના બંગલે ગયો હતો. બંગલો વેચવાનો હોવાથી કિરણને બંગલો પણ બતાવ્યો હતો. ત્યારે પોતાના પ્લાન મુજબ કિરણે જગદીશભાઈએ કહ્યું કે, રીનોવેશન થાય તો બંગલો સરળતાથી વેચી શકાય અને સારી કિંમત પણ મળશે તેવી સલાહ આપીને કિરણ ત્યાંથી નીકળી ગયો હતો. જે બાદ જગદીશભાઈને સિંધુભવન રોડ પર આવેલી ટી પોસ્ટમાં મળવા બોલાવ્યા હતા. જ્યાં ટી પોસ્ટમાં ભાગીદાર હોવાનું જણાવ્યું તથા પોતે રાજકીય વગ ધરાવે છે અને પ્રધાનમંત્રીની ઓફિસમાં કલાસ-1 અધિકારી છે તેવું જણાવ્યું હતું. પોતાને રીનોવેશનનો શોખ હોવાનું પણ જણાવ્યું હતું.
કિરણ પર શંકા જતા જગદીશભાઈએ હાલ બંગલાનું કામ કરવા જણાવ્યું તો કિરણ અધૂરું કામ મૂકીને જતો રહ્યો હતો જેથી જગદીશભાઈ બંગલે રહેવા આવી ગયા હતા. ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિર્ઝાપુર કોર્ટની નોટિસ મળી હતી જેમાં કિરણ પટેલે બંગલા માટે દાવો કર્યો હતો જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.