પાટીદાર સમાજના અગ્રિમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે કેમ, થશે તો કયા પક્ષ સાથે જોડાશે એ મામલે છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી અટકળો પર અંત આવી ગયો છે. આજે કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે.
નરેશ પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% યુવાનો અને 80% મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ, પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલપૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતના તમામ સમાજના લોકોને અને મા ખોડલધામને મારા પ્રણામ, મૂળ વાત પર જ આવીએ તો રાજકરણમાં પ્રવેશ કરવાનો વિચાર મને કોરોનાકાળમાં આવ્યો હતો. એ સમયે મેં સરદાર સાહેબને ખૂબ વાંચ્યા અને મને વિચાર આવ્યો કે રાજકારણમાં પ્રવેશ મેળવીએ. માટે આ વિચાર મેં સમાજ પાસે મૂક્યો હતો. પણ હાલપૂરતો મે નિર્ણય મોકુફ રાખ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા પર કોઈ રાજકીય દબાણ નથી, વડીલોની સલાહ માનીને મેં આ નિર્ણય લીધો છે. હાલપૂરતો રાજનીતિમાં નહીં જોડાઉં. ખોડલધામના ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરી છે.
તેમના દ્વારા રાજકારણમાં પ્રવેશની વિચારણા વખતે ખોડલધામની રાજકીય કમિટી દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો, જેમાં સમાજના વડીલોએ રાજકારણથી દૂર રહેવા સલાહ આપી હતી, જ્યારે મહિલા અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો. રાજકારણમાં પ્રવેશથી ખોડલધામ અને સમાજની સામાજિક પ્રવૃત્તિને અસર થઇ શકે એવી વાતનો સ્વીકાર કરવાની સાથોસાથ રાજકીય પક્ષો સાથે પૂર્વશરતમાં મેળ નહીં પડ્યો હોવાનાં કારણોસર પણ નરેશ પટેલે છેવટનો રાજકારણથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.