GUJARAT : મુરતિયા જાહેર કરવામાં કોંગ્રેસ ને લાગ્યો ડર કે શું !? પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર થી અનેક કોંગ્રેસીઓ છે નારાજ !

0
200

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલાં જ કેન્દ્રીય મંત્રીઓના આંટાફેરા પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યારસુધીમાં 29 ઉમેદવારોની જાહેરાત કરી છે તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા નવા બે હજારથી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી દીધી છે. અન્ય રાજ્યોમાંથી ભાજપના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. ત્યારે કોંગ્રેસ હજી મુરતિયા પસંદગી માટેની બેઠકોમાં ભરાઈ છે. ગુજરાતમાં 182 બેઠક પર કોંગ્રેસના 850થી વધુ દાવેદારો છે. ત્યારે આજથી બે દિવસ માટે અમદાવાદમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે, જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી અંગેની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. ઓક્ટોબરના અંત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે.

આમ આદમી પાર્ટી(AAP)એ બે યાદી જાહેર કર્યા પછી કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોતે એવી જાહેરાત કરી હતી કે 15મી સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થશે. બાદમાં દાવેદારોની સંખ્યા વધી જતાં આ યાદી સપ્ટેમ્બરના અંતમાં જાહેર થશે એવી જાહેરાત કરાઈ હતી. ભારત જોડો યાત્રા અને રાજસ્થાનમાં ગેહલોત તથા સચિન પાઈલટ વચ્ચેની રાજકીય લડાઈ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી ઘોંચમાં પડી હતી. ત્યારે આજથી બે દિવસ ઉમેદવારોની પસંદગી માટે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાવાની છે, જેમાં ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી શકે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાઅર્જુન ખડગે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. પ્રચાર અર્થે અમદાવાદ આવનારા ખડગે શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે બેઠક યોજશે. આ ઉપરાંત મત આપવા અપીલ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં 409 મતદાર છે. હાલમાં શશિ થરૂર અને મલ્લિકાઅર્જુન ખડગેને ગુજરાતમાંથી કેટલા મત મળશે એ કહેવું મુશ્કેલ છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીના ચાર મહિના પહેલાં જ તેના 29 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સમયમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતે પણ એવું નિવેદન કર્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, પરંતુ દાવેદારોની સંખ્યા વધી જતાં આખરે સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ યાદી જાહેર થવાની હતી, જે રાજસ્થાનની સત્તાની લડાઈ અને કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીના મામલે હવે ઘોંચમાં પડી છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થયો ત્યારે કોંગ્રેસની યાદી હજી જાહેર થઈ શકી નથી, જેથી કોંગ્રેસમાં ઉમેદવારો પણ યાદીની રાહ જોઈ રહ્યા છે. ચાલુ ધારાસભ્યોને કોંગ્રેસ પહેલી યાદીમાં સમાવી લેશે, પરંતુ યાદી જાહેર ન થવાથી તેમની બેઠકો પર દાવેદારી નોંધાવવા માટે અન્ય કાર્યકર્તાઓને અસમંજસ અનુભવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here