આવતીકાલે સોમવાર અને 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી પદના શપથવિધિય યોજાવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત જ અમદાવાદ એરપોર્ટ આવી પડશે. ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર રાજભવન જશે. સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તો સાથેસાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતીથી પસંદગી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથવિધિ માટે આમંત્રણ પાઠવ્યું છે. સોમવારે સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે.
ગુજરાતમાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીતનો ઉત્સવ મોટે પાયે થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ભાજપની આ શાનદાર જીત એક મોટો મેગા શો જેવો બની રહે એવું આયોજન સંગઠન દ્વારા કરાયું છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નવી સરકાર રચવા માટે તડામાર તૈયારી સચિવાલય ખાતે શરૂ કરાઈ હતી. નવી સરકારના ચયન માટે સૌપ્રથમ મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે, ત્યારબાદ તેમના મંત્રીઓ શપથ લેશે. જે અંતર્ગત સચિવાલય ખાતે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારી શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા શપથવિધિ સ્થળે કરાઈ છે અને 3 મોટાં સ્ટેજ બનાયા છે.
સરકારનાં અધિકારિત સૂત્રો મુજબ, શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. પ્રત્યેક મંચ 180*40 મીટર મોટો છે. એક મંચ પર રાજ્યપાલ, નવા મુખ્યમંત્રી, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. બીજા મંચ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય રાજ્યના મુખ્યમંત્રી બેસે એવી વ્યવસ્થા કરાઈ છે, જ્યારે ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રીમંડળની શપથવિધિ પણ 12 ડિસેમ્બરના રોજ યોજાય એવી શક્યતા છે, ત્યારે જે મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું છે, તેમને શપથ ગ્રહણના આગલા દિવસે મોડી રાત્રે જાણ કરવામાં આવશે, એવી જાણકારી મળી રહી છે. આ ઉપરાંત છેલ્લી ઘડીએ પણ એકાએક કોઈ વિજેતા ધારાસભ્ય મંત્રી તરીકે જોવા મળે તો નવાઈ નહિ.