આઇપીએસ અધિકારીઓને તપાસના નામે છાવરવાના પ્રયાસમાં પોલીસ ઇન્સ્પેકટરને પણ બચાવી લેવાયા !

0
502

ઉચ્ચ અધિકારીઓ સામે છેડતીના અનેક કિસ્સાઓ ચગ્યા, પરંતુ મોટાભાગનામાં ઘીના ઠામમાં ઘી પાડી દેવાયું !

ડે.કલેક્ટર મયંક પટેલ સામે મહિલા અધિકારીએ હિંમત કરીને ફરિયાદ કરી તો તેની સામે પગલાં લેવાયા !

અત્યારસુધીમાં અનેક સિનિયર પોલીસ અધિકારીઓથી પરેશાન મહિલાઓ ફરિયાદ કરવાની હિંમત કરી શકી નહીં, માત્ર અરજીઓ થઇ !

તાજેતરમાં ડીવાયએસપી ભરત પરમાર સામે તેમના તાબાના મહિલા કર્મચારીઓની છેડતી કરવાનો આક્ષેપ સાબિત થતા તેમની સામે પગલાં લેવામાં આવશે , મહિલા પોલીસકર્મી એ હિંમત કરી માટે ફરિયાદ પણ દાખલ થઈ અને તેમને ન્યાય પણ મળશે.પરંતુ પોલીસ ખાતામાં અત્યારસુધીમાં કેટલાક આઇપીએસ અધિકારીઓથી લઇને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારીઓની છેડતીનો ભોગ બનેલી મહિલા અધિકારીઓ-કર્મચારીઓએ ફરિયાદ કરવાની હિંમત કરી શક્યા ન હોવાથી આવા અધિકારીઓ બચી ગયા છે અથવા તો તેમની સામે અરજીઓ થઇ હતી, પરંતુ સત્તાવાર રીતે ફરિયાદ થઈ ન હોવાથી આ અધિકારીઓને યેન કેન પ્રકારે છાવરી-બચાવી લેવામાં આવ્યા હોવાની વિગતો પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે. આવા કેટલાક કિસ્સા અત્રે પ્રસ્તુત છે.
1) ગુજરાતના પોલીસના સર્વોચ્ચપદે પહોંચીને નિવૃત્ત થયેલા એક આઇપીએસ અધિકારીએ પોતાની તાબાની એક મહિલા અધિકારીને રોમેન્ટીંક મેસેજ કરીને પરેશાન કરવાની શરૂઆત કરી હતી. રંગીલા અધિકારી તો મહિલા અધિકારી જે ક્લબમાં સ્વીમિંગ માટે જતી હતી ત્યાં પણ પહોંચી જતા હતા. અધિકારીની હરકતરોથી પરેશાન મહિલાએ જે તે સમયના સિનિયર ઓફિસરને આ બાબતે રજૂઆત કરી હતી. આ બાબતે અરજી થતાં અધિકારી દોડતા થઇ ગયા. તપાસના નામે નાટક થયું અને અરજીનો નિકાલ થઇ ગયો, પરંતુ કડક અધિકારી બચી ગયા હતા.
2) અન્ય એક મૂછડ આઇપીએસ અધિકારીએ પણ પોતાના તાબાની મહિલા કર્મચારીને પરેશાન કરવાની શરૂઆત કરી ત્યારે મહિલા કર્મચારીએ શરૂઆતમાં તેના પ્રત્યે બહુ ધ્યાન ન આપતા મહિલાની મર્યાદાને નબળાઈ સમજી ચૂકેલા આ અધિકારીની હિંમત વધી ગઇ. આ પ્રકરણમાં પણ સિનિયર ઓફિસર સમક્ષ અરજી થઇ અને તપાસનું નાટક ખેલાયું હતું. મુછડ અધિકારીએ નિવેદનના નામે સેંકડો પાનાના જવાબ લખાવ્યા, પરંતુ તેમાં છેડતીનો ઉલ્લેખ જ ન થયો અને પ્રકરણ પર પડદો પાડી દેવાયો હતો.
3) ગમે તે સ્થળે નોકરી કરવાની પણ કામગીરી તો પોતાનું રજવાડું હોય તેવી રીતે જ કરવાની માનસિકતા ધરાવતા એક આઇપીએસ અધિકારી એક કોન્ફરન્સમાં ગુજરાત બહાર ગયા હતા. જ્યાં રાજાપાઠમાં આવી જઇને તેમણે સિનિયર મહિલા અધિકારીની છેડતી કરી. મહિલા અધિકારીએ આ બાબતને હળવાશથી લેવાને બદલે તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું અને ગુનેગારોમાં ખોફ ધરાવતા અધિકારી પોતે ગાય બની ગયા. આખરે અન્ય અધિકારીઓની દખલગીરીથી માંડ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
4) દક્ષિણ ગુજરાતમાં મોટા હોદ્દા પર ફરજ બજાવતા પોલીસ અધિકારીની ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીએ સાહેબની હરકતો અંગે ગાંધીનગર ડીજીપી ઓફિસમાં ફરિયાદ કરી હતી. જે મુદ્દો બહુ ગાજ્યો હતો, પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી જેવો ઘાટ થયો હતો.
5) તાજેતરમાંજ ગાંધીનગરના એક પોલીસ મથકના રોમેન્ટિક પોલીસ ઇન્સ્પેક્ટર પણ મહિલા કર્મચારને વગર કારણે પોતાની ચેમ્બરમાં બોલાવી કલાકો સુધી ઉભા રાખતા હતા. સાહેબની નજર પારખી ગયેલી મહિલા કર્મચારીએ સિનિયર અધિકારીઓને ફરિયાદ કરતાં તેને થોડી રાહત થઇ.
6)અમદાવાદના પશ્વિમ વિસ્તારના એક પોલીસ મથકના આનંદી સ્વભાવના પોલીસ ઇન્સ્પેક્ટરે પણ એક મહિલા કર્મીને ગમે ત્યારે બેલ વગાડીને પોતાની ચેમ્બરમાં બોલાવવાની શરૂ કરી દીધી. મહિલા કર્મીને પોતાની સામે ઉભા રાખી અધિકારી તેને વિકૃત નજરે જોયા જ કરતા હતા. કંટાળીને મહિલાએ આ બાબતે સિનિયર પોલીસ અધિકારીને ફરિયાદ કરી. હદ તો ત્યારે થઇ કે સિનિયર ઓફિસરે મહિલાને ન્યાય અપાવવાના બદલે રજા ઉપર ઉતરી જવાની સલાહ આપી! જોકે, પોતાની ફરિયાદ થઇ હોવાની જાણ થતાં પોલીસ ઇન્સ્પેકટર પણ રજા ઉપર ઉતરી ગયા હતા.
7) સુરતના છેવાડાના એક પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરના રંગીલા સ્વભાવથી પરેશાન ત્રણેક મહિલા કર્મીઓએ સિનિયર અધિકારીને ફરિયાદ કરી કે, સાહેબની રોમીયોગીરીથી પરેશાન થઇ ગયા છે. ફરિયાદ છેડ મીડિયા સુધી પહોંચી અને સાહેબ હવે સુધરી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here