રાજયમાં ચર્ચિત લઠ્ઠાકાંડ બાદ પોલીસ બુટલેગરો અને દારૂના ચાલતા અડ્ડાઓ પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે શહેરમાં એક એવા દ્રશ્યો સામે આવ્યા કે નવાઈ લાગશે.વટવા જીઆઈડીસીમાં ચાલતા દારૂના અડ્ડા પર એસઓજી રેડ કરી હતી.જે રેડ બાદ એસઓજી પીએસઆઇ અને વટવા જીઆઈડીસી પીએસઆઇ બાખડયા હોવાની ચર્ચા વાયુવેગે પ્રસરી છે.
બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસે સમગ્ર રાજ્યમાં બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે એસઓજીને બાતમી મળી હતી કે શહેરના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ નું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીની હકીકતના આધારે એસઓજીની ટિમેં વટવા GIDCમાં દારૂના અડ્ડા પર રેડ પાડી હતી.SOGએ બુટલેગર અજયસિંહના અડ્ડા પર પાડી હતી. વિદેશી દારૂની 5 પેટી જપ્ત કરવામાં આવી હતી. આ દરમિયાન વટવા GIDCના PSI એમ.એલ.વાઘેલા અને SOG PSI વચ્ચે મારામારી થઇ હતી. બંને પીએસઆઇ સામસામે આવી જતા રીતસરની તું તું મેં મેં થઈ હોવાની ચર્ચા થઈ રહી છે.
દારૂના અડ્ડાઓ સ્થાનિક પોલીસ બંધ ન કરાવતા અન્ય એન્જસીઓ દરોડો પાડે છે
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો સ્થાનિક પોલીસ અને વહીવટદારોના આશીર્વાદથી બેખોફ બની દારૂના અડ્ડાઓ ચલાવતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સામાન્ય રીતે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની ફરજ સ્થાનિક પોલીસની હોવા છતાં હવે અન્ય એજન્સીઓ દારૂના અડ્ડાઓ પર દરોડો પાડી બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.ત્યારે હવે આ મામલે દારૂના અડ્ડાઓ અને બુટલેગરો છાવરવાને લઈ ચર્ચાઓ થતા સ્થાનિક પોલીસ પર ગંભીર સવાલો ઉભા થયા છે.