આતંકવાદી હુમલાની દહેશતમાં અધિકારીએ મકાનનું કામ રોકાયું હતું અને બદલી થતા જ બીજા અધિકારીએ મોટા રૂપિયાની લાલચમાં ખેલ પાડ્યો હોવાની ચર્ચા !
શહેરના અતિ સંવેદનશીલ એવા જુહાપુરા વિસ્તારમાં સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની(SOG) ઓફિસ રાખવામાં આવી છે.તેની પાસે જ સરદાર સ્મૃતિ નામની વૈભવી સોસાયટી આવેલી છે.SOG માં ખૂંખાર ગુનેગારો અને અનેકવાર આતંકવાદીઓ ને રાખવામાં આવતા હોય છે.જેના કારણે કોઈપણ સમયે આતંકવાદી હુમલો થાય તેવી શક્યતાઓને ઉચ્ચ અધિકારીઓ નકારી શકતા નથી.SOG ની બાજુની સોસાયટીના જ એક રહીશ દ્વારા તેમના બંગલાને ચાર માળ નો બનાવવામાં આવ્યો હતો.જો કે આ અંગે અધિકારીએ તો તત્કાલિક અસર થી મકાનનું કામ રોકી દેવા આદેશ આપ્યો હતો.જેના કારણે ચાર માળનું મકાન બનાવનાર વ્યક્તિ દોડધામ કરી રહ્યો હતો.જો કે ઉચ્ચ અધિકારીએ કોઈ પણ સંજોગોમાં મકાન મોટું ન કરવા માટે સૂચના આપી દીધી હતી.પોલીસ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ એ પણ ભલામણ કરી છતાં વિવાદ થતા આખરે બંગલા નું કામ રોકી દેવાયું હતું.પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જે અધિકારી દ્વારા ચાર માળ ના બંગલા નું કામ રોકવી દીધું હતું તેમની થોડા સમય પહેલા જ બદલી થતા મકાન માલિકે ફરી દોડધામ શરૂ કરી દીધી હતી અને SOG ના અધિકારીના ખિસ્સા ગરમ કરીને કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બંધ બારણે કેટલાક પોલીસ અધિકારી સાથે મોટી વગ વાપરીને બંગલા નું કામ ચાલુ કરાવી દીધું હોવાની વાતે ચર્ચાએ જોર પકડ્યું છે.